“રાણાજી, આપ ક્હો છે તે સાચું છે, પણ આપણા જ જુના દિવસ સંભારો, આપણી આગગાડીનું એન્જીન સાહેબ વિના ચાલ્યું નથી. આજ એ લોક કર્ત્તા હર્ત્તા છે – કર્ત્તા ને હર્ત્તા બે”
“ત્યારે તો એમ કે ગાદી મળ્યા પછી આજ સુધી શઠરાયે રાજ્ય કર્યું અને હવે સાહેબ કરશે. આપણે તો કેવળ પુતળાં જ. સરકારનું કામ એ કે આપણે પ્રજાપીડક થઈએ ત્યારે માથે અંકુશ પેઠે વર્તવું. પણ આવા વિષયમાં એ સરકાર ? – ને તે પણ સરકારના ગુલામ સીપાઈ સુધી !”
નરભેરામ ક્હે, “ મહારાણા, નવા સાહેબ આવે છે તે લશ્કરી ખાતાના છે. ડોબક સાહેબના ભત્રીજા થાય છે. જલદ મીજાજના છે. વેર રાખે એવા છે. કાનના કાચા છે. કામ કરવાના ઉત્સાહી નથી. આજ્ઞા–ભંગ થયેલો જોઈ શકતા નથી. ખુશામત કરતાં કરતાં પ્રસન્ન થાય તો મ્હોટી વાત. રામભાઉને હવે ઘીકેળાં સમજવાં.”
ભ્રુકુટી ચ્હડાવી રાણો બોલ્યો. “બુદ્ધિધન, આનો અર્થ એ કે એ લોક રાજા અને આપણે ગુલામ. આવી આવી વાતો સાંભળવાને હું ઈચ્છતો નથી. ભલમનસાઈની રીતે થાય એટલું કરવું એની ના નથી પણ એથી વધારે નરમાશ રાખવી હોય તો તે વાત મ્હારી પાસે ન કરવી. તમે તેમની સાથે ભરી પીજો, આપણે આપણી વાત ચલાવો. બોલો, શું કરવું ધાર્યું?”
બુદ્ધિધન બોલ્યો : “ન્યાયની રીતે શાઠરાયની તપાસ ચલાવવી અથવા એને એવી શિક્ષા કરવી એ તો મને વ્યાજબી નથી લાગતું.”
“હેં !–” રાણો જોઈ રહ્યોઃ “કાલે પોશાક આપીયે પાછો એને?”
“નાજી, એને શિક્ષા ઓછી નથી થઈ. દુષ્ટરાય મરી જ ગયો. રુપાળીયે કુટુંબનું નાક કાપ્યું: કારભાર ગયો. હવે જે વધારે શિક્ષા કરવાની તેનો હેતુ એટલો કે એ વધારે ખટપટ ન કરે અને આપણું રાજયતંત્ર નિશ્ચિંત ચાલે.”
“ નિશ્ચિંત ચાલવાનો રસ્તો – મને લાગે છે કે એના સાળાયે શોધી ક્હાડ્યો તે હશે.”
“રાણાજી, એટલાં ઉકળવાથી કાંઈ લાભ નથી. આ ઉપરથી તો એટલું જોવું કે જયારે દરબારનાં સર્વ માણસ એનાં હતાં તે પ્રસંગે એને ક્હાડ્યો હોત તો કેટલી ખટપટ ઉભી કરત. મ્હારા મનમાં જુદો રસ્તો યોગ્ય લાગે છે. દીલ્હીના બાદશાહોમાં એવી રીતિ હતી કે કેાઈ ઉમરાવ સત્તાલોભી થાય તો એને કોઈ ગામડામાં સુબો કરી મોકલવો એટલે તે