અગાશીમાં આવી અને કુમુદસુંદરીને ઉઠાડી નીચે લઈ ગઈ બુદ્ધિધન જેમ જાગી ઉઠતાં કારભાર મુકી દેવાની વાત ભુલી ગયો હતો તેમ કુમુદ પણ જાગી ઉઠતાં કૃષ્ણકલિકાને ભુલી ગઈ. દાસી ગઈ એટલે બારણું વાસ્યું અને ઉંઘવાને બદલે પાછું બુદ્ધિપ્રકાશ હાથમાં લીધું અને ટેબલ પર કાચદીપાશ્રમમાં દીવો પ્રગટી વાંચવા બેઠી. “ ચંદા ” ફરીથી વાંચવા લાગી. ચંદાને મેઘ રમાડે છે અને પજવે છે તે ભાગ વાંચવા લાગી.
“મેઘ પેલો મસ્તિખોરો મૂજને રંજાડવા,
“કંઈ યુક્તિયો વિધવિધ કરે ભંગાણ સુખમાં પાડવા !”
વળી ગાતાં ગાતાં આવ્યું:
“ને એહ અસ્થિર મેહલા શું કદિ ભરાઊં નવ રિસે !”
એ પદ વારંવાર ગાવા લાગી, પોતે અસ્થિર પ્રમાદધનપ૨ રીસાતી નથી એ સ્મરવા લાગી, અને મસ્તિકમાં પ્રમાદધન ભરાયો ! તે હવે પ્રિય લાગવા માંડ્યો. તેના જ વિચાર અંત:કરણમાં ઉભરાવા લાગ્યા, તેની જ છબિ સામેના તકતામાં જોઈ રહી, અને અતિ પ્રેમથી ગાવા લાગી.
“પ્રમાદધન મુજ સ્વામી સાચા !
“એ વણ જુઠ્ઠું સર્વ બીજું !
“પ્રમાદધન મુજ સ્વામી–મ્હારા !
"એ વણ ન્યારું સર્વ બીજું !
“પ્રમાદધન મુજ સ્વામી વ્હાલા !
“એ વણ અપ્રિય સર્વ બીજું !”
એમ કંઈ કંઈ પદ ઉલટાવી રચવા–ગાવા લાગી, સારંગીમાં ઉતારવા લાગી, અંતર આનંદ અનુભવવા લાગી, અને ઘેલી બની હોય એમ એની એ કડીયો – અનુપ્રાસ વિનાની – અલંકાર વિનાની – જપવા લાગી. “પ્ર મા - દ - ધ - ન, પ્રમા-દ-ધ-ન, પ્રમાદધન” એ નામ જ પ્રત્યક્ષરે ભાર મુકી બોલવા લાગી, પતિનું નામ કોઈના દેખતાં બોલતી હોય અને શરમાતી હોય તેમ ઘડીક મનમાં ને મનમાં શરમાઈ; કોઈ દિવસ એ નામ પોતે ન દીધું હોય - ન દેતી હોય, પતિનો સ્પર્શ અચીંત્યો અનુભવતી હોય, એ સ્પર્શની પેઠે જ પતિના નામને સ્પર્શ જીભને – હૃદયને – થતો હોય, તેમ પતિના નામનો એક્કેકો અક્ષર બોલતાં રોમાંચના શીતળ તરંગોમાં ન્હાઈ શીત્કાર બોલાવવા લાગી, ઉત્કંપની લ્હેરોથી ચમકવા લાગી, અને વિચારમાં પડી સફળ - મદનતા અનુભવતી હોય તેમ પળે પળે પોપચાં અર્ધાં મીંચવાં લાગી. વળી જાગી “પ્રમાદધન મુજ સ્વામી” ઇત્યાદિ ગાતી ગાતી ઉઠી, પલંગપર