ચંદ્ર” કરતી કરતી ઘેલી લુગડાંના કબાટ ભણી દોડી અને બીજી અવસ્થામાં સંક્રાંત થઈ, તેનું મનોબળ થઈ ચુક્યું ભાસ્યું.
મનુષ્યનું જીવન એ અનેક સૂત્રની એક ૨જ્જુ (દોરી) છે; અનેક આમળાની એક ગાંઠ છે. તે સૂત્રોની – તે આમળાઓની – પોતપોતાની નીરનીરાળી સ્થિતિ- જાતિ છે અને તે એમાં ઘણી વખત પરસ્પર - વિરોધ આવી જાય છે. આ સૂત્ર અને આમળાઓ, તેમની ઘટના, અને તેમના વિરોધ અધિકતર બુદ્ધિથી, અધિકતર વિદ્યાથી, અને અધિકતર રસજ્ઞાનથી વધારે વધારે સૂક્ષ્મ અને વિચિત્ર બને છે અને તેની સંખ્યા પણ વધે છે. પ્રમાદધનમય બનેલું જીવન સરસ્વતીચંદ્રહીન થઈ શક્યું નહી. એક ભવની પતિવ્રતા બીજા ભવના પતિને ભુલી શકી નહી. સત્યને અર્થે દશરથે રામનો ત્યાગ કર્યો, પ્રજાને અર્થ રામે સીતાને ત્યાગ કર્યો, અને તે છતાં દશરથનું જીવન રામમય રહ્યું અને રામ સીતામય રહ્યાઃ તેમ જ પતિવ્રતા કુમુદસુંદરી મૂર્ખ અને દુષિત પતિને મનનો પણ સ્વામી કરી દેવા મથી – પોતાના હૃદય-જાળમાં પતિને વણી દીધો અને પતિમૂર્ત્તિમાં હૃદયને યુકત(યોગી) કર્યું – તે છતાં સરસ્વતીચંદ્રમય મટી નહીં ! સરસ્વતીચંદ્રને હૃદયમાંથી પતિ સ્થાનપરથી ધક્કેલી પાડ્યો અને ત્યાં પ્રમાદધનની સ્થાપના કરી; તો પણ મીંચાયેલી આંખમાં કિરણ રસળે છે, શબ્દ દૂર જવા છતાં કાનમાં ભણકારા વાગે છે, નિંદ્રાયમણ મસ્તિકમાં જાગૃત સંસાર અસંબદ્ધ સ્વપ્નરૂપે ઘુમે છે: તેમ પ્રમાદધનમાં સમાધિસ્થ થયેલા ચિત્તમાં સરસ્વતીચંદ્ર સ્ફુરતો હતો. હૃદયસારંગીને ગાન કરવામાં ઉભય તાર કારણભૂત થયા.
સરસ્વતીચંદ્રના સ્વહસ્તની પત્રિકાના દર્શનથી ઘેલી બનેલી સુંદરી કબાટ ભણી દેાડી, કબાટ જોરથી ઉઘાડ્યું, અને પોતાના સોનેરી ભાતવાળા એક અમ્મરના પડમાંથી એક પત્રોની પોટલી ક્હાડી ક્બાટ એમનું એમ ર્હેવા દેઈ ટેબલ પાસે બેઠી. ટેબલ ઉપર રેશમી રુમાલ બાંધેલી પોટલી છોડી, અને સરસ્વતીચંદ્રના સુન્દર અક્ષરથી લખાયેલા કન્યકાવસ્થામાં સ્વીકારેલા અનેક પત્રો રસમાં લીન થઈ પળે પળે નિઃશ્વાસ મુકતી સુન્દરી વાંચવા લાગી અને પળવાર પૂર્વાવસ્થામાં લીન થઈ વર્તમાન સંસારને ભુલી. સરસ્વતીચંદ્રે પત્ર દ્વારા ચલાવેલી રમણીય ચર્ચાઓ તેને સુવિદ્યાની નીસરણીપર ફરીથી ચ્હડાવતી ભાસી અને અજ્ઞાનમય કુટુંબમાં ફરીથી વિદ્યાભ્યાસ કરતી હોય તેમ બાળાને મનમાં લાગ્યું. સર્વે પત્ર એકવાર વાંચી ર્હેતાં છતાં ફરી વાંચવા લાગી. અંતે સરસ્વતીચંદ્રની છબિ હાથમાં આવી – તે હાથમાં આવતાં સ્નિગ્ધાનાં નેત્ર ચમક્યાં અને તેમાં નવું તેજ આવ્યું હોય તેમ તે છબિના એક્કેક અવયવ નીહાળવા લાગી અને સુન્દરતાના ઘુંટડા ભરવા