આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્હારા હાથમાંનું રમકડું છે. તેને દુઃખમાંથી ઉગારવો તે ત્હારી સત્તાની વાત છે. ત્હારો પ્રતાપ તેને હસાવે છે - રડાવે છે - રમાડે છે. સૂર્ય તો ઉગતાં ઉગે છે પણ અંધકારની સંહારિણી અને સંસારની તારક તો માતા ઉષા છે. અંબા ! સરસ્વતી અને લક્ષ્મી વિધાત્રી અને કાલિકા – એ સર્વ ત્હારાં રૂપ છે !”
“અંબા ! હું ત્હારી પુત્રી છું – ત્હારા પ્રભાવનો અંશ મ્હારામાં સ્ફુરતો મ્હને લાગે છે. સરસ્વતીચંદ્ર ! તમને મહાપાતકમાંથી ઉગારવા એ મ્હારી સત્તામાં છે. મદન તમારી છાતી પર ચ્હડી બેસે તો તેને ભસ્મસાત્ કરવો એ મ્હારું કામ છે.”
“સરસ્વતીચંદ્ર ! તમારા મનમાં મ્હારું કહ્યું વસો ! આપણી પૂર્વપ્રીતિને ઉચિત તમારી સેવા હું બજાવી શકું એમ કરો ! હે શુદ્ધિ-બુદ્ધિ ! મ્હારામાં વસો !”
એટલું બોલી ખુરશી પર બેઠી અને જે કાગળ પર પ્રથમ લખવા માંડ્યું હતું તે જ કાગળની પીઠ પર ભુલથી લખવા માંડ્યું:
- "પર થયેલા સ્વજન !"
- “ત્હારી સાથે બોલવાનો હવે મને અધિકાર નથી, તો ચિત્ત પોતાનો રસ્તો લેખ-દ્રારા કરે છે. એ ચિત્ત ઉપર ત્હને કાંઈપણ અનુકંપા હોય, એ ચિત્ત ત્હારે સારું બળે છે તેમ એને સારું ત્હારું ચિત્ત રજ પણ બળતું હોય તો મ્હારા ચિત્તથી છેલ્લી વ્હેલી પ્રાર્થના શુણી લે અને તેના ઉત્તરમાં કાંઈ પણ બોલવાને ઠેકાણે પ્રાર્થના સિદ્ધ કર. ઘુવડની દૃષ્ટિ ગઈ તો તે તેનાં કર્મ ! પણ દિવસ જોનાર ! નયન ત્હારે છે તે તો ઉઘાડ !”
- “અવનિપરથી નભ ચ્હડયું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં:
- “ટુંકું કર્મ ટુંકું ર્હેવાને સરજેલું આ ધરતીમાં. ૧.
- "નભ વચ્ચોવચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
- “સુભગ ઘડિક એ બન્યું : નવાઈ ન એ દશા જો ના જ ટકી. ૨
- “પણ ઉંચા નભના સંચારી પક્ષિરાજ, તું આવ્યો આ,
- "ધરતી પર ત્યાંથી ઉડ પાછો; પક્ષ-હીનનો દેશ જ આ. ૩
- "ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં !
- “વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં ! ૪
- “ગિરિશિખરે, ઘનમાં, ને નભમાં ઉંચો તું ઉડશે જયારે,
- “સૂર્યબિમ્બથી સળગી ઉતરતા કર–અંબાર વિશે જ્યારે. પ