પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩

જેવો પોતાને વાસ્તે જ ભમે છે - એ વિચાર બાળાના મનમાં થયો અને સુતેલું ધ્રુજતું શરીર ધ્રુજતી ધ્રુજતી રોતી રોતી જેવા લાગી.

મન્મથ તો કેવળ ભસ્મસાત્ જેવો થયો પણ પ્રિયદુ:ખ જોવાથી થતું દુઃખ દુઃસહ થઈ પડ્યું. કુમુદસુંદરી સરસ્વતીચંદ્રનું શરીર ઉભી ઉભી જોઈ જ રહી ! નિઃશ્વાસ એક પછી એક નીકળવા જ લાગ્યા. આંખો આંસુથી છલકાઈ ગઈ; પાંપણોમાંથી ગાલ ઉપર, ઓઠઉપર, ત્યાંથી ખભાઉપર અને છાતી ઉપર વસ્ત્ર પ્હલાળતી આંસુની ધાર ટપક ટપક થઈ રહી; . છાતી તોડી અંતનો ધબકાર સ્તનામાં મૂર્તિમાન થયાં; અને અંતર્ના ડુસકાં મુખમાં ચ્હડી આવ્યાં. વગર બોલ્યે આખું શરીર “હાય હાય” કરી રહ્યું. પાંચ મિનિટ, દશ મિનિટ, તે આમની આમ ઉભી જ ૨હી; આંખો ન ઉઘાડવાના નિશ્ચય કરનારે ન જ ઉઘાડી.

અંતે રોતી રોતી કુમુદસુંદરી ખાટલા પાછળ ગઈ અને પત્ર વાંચવા લાગી. સરસ્વતીચંદ્રનું સર્વ હૃદય તેમાં દુ:ખમય અક્ષરરૂપે ચમકતું હતું- શાહી તાજી જ હતી ! દુઃખથી વાંકી વળી ગઈ હોય તેમ વાંકી વળી પત્ર વાંચવા લાગીઃ ગઝલો ગાવા લાગીઃ

“ દીધાં છોડી પિતા માતા, તજી વ્હાલી ગુણી દારા,
“ ગણ્યો ના મર્મ ભેદાતાઃ લીંધો સંન્યાસ એ, ભ્રાતા ! ૧.
“ પિતાકાજે તજી વ્હાલી, ન માની વાત મ્હેં ત્હારી !
“ ગણ્યા ના ગાઢ નિઃશ્વાસ; લીધો સંન્યાસ એ, ભ્રાત !– ૨.
“ થયો દારુણ મનમાન્યો, વિફળ થઈ સ્નેહની સાનો,
“ હવે સુકુમાર ઉર ફાટી જતું જેવું રહ્યું બાકી. ૩
“ રુવે તે દેવી રોવા રે ! અધિકારી ન લ્હોવાને
“ પ્રિયાનાં અાંસુ હું, ભાઈ – ન એ ર્‌હેવાય જોવાઈ ! ૪
“ અહો ઉદાર વ્હાલી રે ! ટકાવી દેહ રાખી રે;
“ ન ભુલાતું તું ભુલી દે ! વિધિનું ધાર્યું વેઠી લે ! ૫
“ અહા ઉદાર વ્હાલી રે ! સતુ તું શુદ્ધ શાણી રે !
“ ન જોડાતું તું જોડી દે ! છુટેલાને તું છોડી દે ! ૬
“ અહો ઉદા૨ વ્હાલી રે ! સતી તું શુંદ્ધ શાણી રે !
“ છુટે ના તે નીભાવી લે ! પડ્યું પાનું સુધારી લે ! ૭