તથા શોભાવાળી દેખાવાથી, ગણિતવિદ્યા, તત્વવિદ્યા, વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ, સંન્યાસિયો, સાધન-રહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતાં નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી, પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસુ વિચારરૂપી જળની વૃદ્ધિ પામેલું હોવાથી, પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્ર ધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયોમાં બુદ્ધિ રહેવાથી, અાસપાસના મંડળની ખુશામત - અપ્રિય પણ સત્ય બોલનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ના આવેલો – એ સઉ કારણથી, પોતાની બુદ્ધિને સારું સામાન્ય રીતે સર્વને હોય છે તેમ પોતાનો ઉંચો અભિપ્રાય હોવાથી: પ્રમાદધન પ્રમાદમાં જ રહેતો, સંપત્તિને અચળ ગણતો, કાળના પ્રવાહમાં અાંખો મીંચી તણાયો જતો, અને ધારતો કે હું પોતાના બળથી તરું છું. દરબારી કામમાંથી નવરો પડતાં, નવલકથાઓ વાંચવામાં તથા મિત્ર મંડળ વચ્ચે બેસી અાત્મસ્તુતિ, પરનિન્દા, સ્ત્રીયોના પ્રસંગ, મનને વિહ્વળ કરી નાંખે એવી ક૯પનાઓ, મરજી પડે ત્યાં ફરવું, હરવું, ફાવે તે બોલવું, મનમાં ઊર્મિ ઉઠે તે પ્રમાણે વર્તવું, અને એવા એવા વ્યાપારોમાં અમાત્યપુત્રનો કાળ જતો અને એવી રીતે વખત ગુમાવવાની જોગવાઈ તથા શક્તિ મળતી તેમાં પોતાનો ભાગ્યોદય અને સંપત્તિનો સદુપયોગ માનતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીના સર્વ અભિલાષ તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંતઃકરણથી મથતો. તેની સુંદરતાનું અભિમાન રાખતો. તેની વિદ્યાની સ્તુતિ કરતો, અને તેની સાથે પોતાનો યોગ થયો તે નગકુન્દન જેવો યોગ્ય માનતો.
પ્રમાદધન, અલકકિશોરી, અને ટુંકમાં અમાત્ય કુટુંબનો બધો વ્યવહારઃ તેમાં, વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર થયા હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. પીયરમાં અને સાસરામાં વ્યવહાર, વિનોદ અને સર્વ રીતના આચારવિચારમાં ફેર હતો. નવે ઘેર પુસ્તકો હશે જાણી તેણે જુને ઘેરથી પુસ્તક એક પણ નહોતું આણ્યું. આ નવી દ્રષ્ટિમાં જુની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ ૨હી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુરપર કાગળ લખ્યો હતો તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે લખ્યો હતો અને માત્ર તે લખનારના અક્ષરનો પરિચય હોવાથી તથા શ્લોક ઉપરથી જ કાગળ મોકલનારનું નામ કુમુદસુંદરી જાણતી હતી.