- "શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,[૧]
- "થઈ રખે જતી અંધ,[૨] વિયોગથી;
- "દિનરુપે સુભગા[૩] બની ર્હે, ગ્રહી
- "કર[૪] પ્રભાકરના મનમાનીતા!"
આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી; માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી, એકાંત વખતે લાગ મળ્યે ક્હાડી જોતી, શ્લોક મ્હોડે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, કાગળ જોઈ શ્લોક ગાઈ રોતી અને અાંસુ સારતી, અને કોઈને દેખે એટલે કાગળ સંતાડી સજ્જ તથા સાવધાન થતી. કાગળના સામું કોઈને ઠપકો દેતી હોય તેમ જોતી, ભમર ચ્હડાવતી, અને વદનકમળ સાથેલાગું દુખીયારું, દયામણું અને કોપાયમાન કરી; અાકાશ સામું જોઈ નિ:શ્વાસ નાંખી, અાંખમાંનાં આંસુ પોતાને જ હાથે લ્હોતી. અસંસ્કારી સાસરીયાંમાં સર્વ છાનું રાખી શકતી હતી અને સંસારની દૃષ્ટિને તેની સ્થિતિમાં કાંઈ અસાધારણ જણાતું ન હતું. ટુંકામાં ચર્મચક્ષુથી જોનારને તો અમાત્ય-કુટુંબ માં સર્વ રીતે સઉનામાં ઉત્સવ, ઉત્સાહ અને આનંદ દેખાતો હતો; એવા કુટુંબની કામિનીયો રાજેશ્વર મહાદેવનાં પગથીયાં ઉપર ઠમક ઠમક કરતી હાંફતી દેખાતી ચ્હડી તે સમયે મૂર્ખદત્ત તપોધન શિવાય તેમને કોઈ જોનારું ન હતું, તેથી આ એકાંત શિવાલયમાં ક્ષુદ્રમાનવજાતની દ્રુષ્ટિથી અગોચર રહેનારી દેવાંગનાઓ, મૃત્યુલોકમાં આનંદામૃત છાનુંમાનું ઢોળવા, દેવોના દેવનાં દર્શન કરવાને મિષે સ્વર્ગમાંથી ઉતરી આવી હોય એવી કલ્પના જાણ્યે અજાણ્યે ત્યાં સંતાઈ રહી જોનાર કોઈ યક્ષાદિક કરે તો અયોગ્ય ન કહેવાય.
તપોધન ઉતાવળે ઉતાવળે હાથ ધોઈ અબોટિયાની કાછડી ખેંચી પાટલી જેમ તેમ પગે અાંટી ન અાવે તેમ ઘાલી, છેટીના અંગુછાવડે હાથ લ્હોતો લ્હોતો આવ્યો અને “પધારો પધારો” કહેતો કહેતો મંદિરના ગર્ભદ્વારમાં પેંઠો અને રીત પ્રમાણે જળાધારીમાંથી નમણ બીલીપત્ર વગેરે તરુણ સુંદરીઓને પાવન કરવા આપતાં આપતાં બોલ્યો.
“બ્હેન, તમારા ક્હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો