પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨

હોવી જોઈએ ? પોતાના મનની કેવી નિર્બળતા અનુભવે સિદ્ધ કરી આપી ? ઈત્યાદિ વિચારોના ગુંચવારામાં ગુંચવાતું, સ્નેહ અને દયાથી દીન થતું, અનેક વિકારો અનુભવતું મસ્તિક થાક્યું પાક્યું નિદ્રાવશ થયું તે છેક પ્રાતઃકાળે સાત વાગે જાગ્યું.

સાત વાગ્યા પહેલાં પ્રમાદધન લીલાપુરથી કાર્ય સિદ્ધ કરી પાછો આવ્યો હતો. રાણાને તે ખબર થતાં બુદ્ધિધનને પોશાક આપવાનું તેને તે દિવસે ઠરાવ્યું અને તે બાબતની તૈયારીયો કરવાનું નરભેરામ તથા જયમલને આવ્યું.

સરસ્વતીચંદ્ર જાગ્યો ત્યારે બુદ્ધિધનના ઘરમાં આ તૈયારીયોની ગરબડ મચી હતી. દાતણ કરી તે પ્રધાનખંડમાં (દીવાનખાનામાં) ગયો તો પ્રમાદધનની આસપાસ કચેરી ભરાઈ હતી અને લીલાપુરના ગપાટા હંકાતા હતા, ઘરના દ્વાર આગળ દરબારી ચારણો ભરાઈ કવિતો બોલતા હતા. ચારણસ્ત્રીયો, નવા કારભારીના ઘરની સામે ઉભી રહી, જાતે કદાવર તથા કાળી કોળણો જેવી દેખાવા છતાં કોમળ અને સુંદર રાગથી ચ્હડતા ઉતરતા ઢાળ સાથે, રોમેરોમ ઉભાં કરે એવું રાજગીત ગાતી હતી અને સાંભળનારનાં ચિત્તમાં શુદ્ધ રાજભક્તિ ઉત્પન્ન કરતી હતી. દિવસ ચ્હડતો ગયો તેમ તેમ બારણે લોકની ઠઠ વધતી ગઈ અને આખો રસ્તો વસ્તીથી ચીકાર થયો.

ઘરમાં પણ એવી જ રીતે લોક આવતા હતા. અમલદારો, મિત્રો, હિતૈષીયો, થોડોક પણ સંબંધ ધરાવનારાઓ અને એવા અનેક લોક પ્રધાનખંડની મેડીમાં ખીચોખીચ ભરાયા અને અંતે સરસ્વતીચંદ્રને સુવા આપેલી મેડી પણ ઉઘાડી મુકી દેવાની અગત્ય પડી.

નીચે ચોકમાં અને તેની આસપાસના ખંડોમાં સ્ત્રીવર્ગ ઉભરાતો હતો અને ભાત ભાતનાં ઉંચાં ચળકતાં – સાડીયો, સાળુ, ગવનો, વગેરે – વસ્ત્રોથી અને સોનારૂપાના તથા હીરા મોતીના અલંકારોથી અનેકરંગી વનસ્પતિ અને ફુલવાળા બાગ જેવો લાગવા માંડ્યો, તારામંડળમાં ચંદ્રલેખા શોભે તેમ ઉત્સાહભરી સ્ત્રીયો વચ્ચે સૌભાગ્યદેવી શોભતી હતી, અને તારા અને ચંદ્ર સર્વને ઢાંકી નાંખનાર વીજળીની પેઠે જાજવલ્યમાન અલકકિશોરી ધમકભરી ગર્જતી હતી. શાંત અને મધુર ન્હાની શુક્રતારા પેઠે એકપાસ કમુદસુંદરી પ્રકાશ ધરતી હતી. દયાશંકરકાકા અને વૃદ્ધ કુળગોર સ્ત્રીવર્ગની વચ્ચે વચ્ચે ફરતા મંગલ-સામગ્રી તૈયાર કરાવતા હતા. લાલચોળ કુંકુમ, સુવાસિત અને સુશોભિત પુષ્પો, અગરબત્તીયો, રુપાના અને