લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩

તાંબાપીતળના થાળ, લોટ, છાબડીયો અને બીજાં પૂજાપાત્રઃ આ સર્વેથી આજ બુદ્ધિધનનું ઘર નવી જાતની ધામધુમભર્યું ભાસવા લાગ્યું.

એવામાં રાણાને ત્યાંથી કારભારી થનારને આમંત્રણ આવ્યું. અગાડી વાજાં, પાછળ એક હાથી અને તેની પાછળ ઘોડાગાડીમાં રાણાનો એક ભાયાત, નરભેરામ, અને જયમલ બેઠા હતા. તેની પાછળ સવારોની ટુકડી અને સીપાઈયો હતા. કારભારીને લેવા આવનાર આ સર્વ મંડળ દ્ધાર આગળ આવી ઉભું.

આ સર્વે ધામધુમ વચ્ચે મેડીમાંથી છજામાં અને છજામાંથી મેડીમાં તથા ચોક પરની અગાસીમાં સરસ્વતીચંદ્ર શુન્ય હૃદયથી આવજાવ કરતો હતો. કુમુદસુંદરીનો પત્ર ખીસામાં હતો તે વાંચવાપર ચિત્ત હતું પણ આ લોકો વચ્ચે એકાંત મળે તેમ ન હતું. રાત્રે ઉંઘમાં વંચાયો ન હતો. ચંદ્રકાંત આવવાનો તે વિચાર પણ મનમાં ઘોળાયા કરતો હતો. વિચાર અને ઉદાસીનતામાં ડુબેલો હોવાથી આસપાસની ધામધુમ દેખતાં છતાં તેને જોતો ન હતો.

બારણે ઘોડાગાડીઓની ઠઠ વધતી હતી અને બ્હાર તેમ અંદર ઉત્સાહનો ગરબડાટ મચી રહ્યો હતો તેની વચ્ચે એક સરસ્વતીચંદ્ર આમ દેખીતો જુદા પડતો હતો. કુમુદસુંદરી જે દેશમાં હોય ત્યાં પોતે ન વસવું એ ઉભયના હિતને અર્થે આવશ્યક લાગ્યું – પણ એને છોડવી એ જ કઠણ કામ હતું. “એક વાર છોડ્યા પછી છોડેલીને આકર્ષણે સુવર્ણપુર દેખાડ્યું, એ આકર્ષણની સત્તામાં આવી હવે સુવર્ણપુર છોડવું એ રમત વાત નથી. શી રીતે છોડવું ? ક્યારે છોડવું ? ચંદ્રકાંત આવવાનો છે તેનું શું કરવું ? આવે ત્યાં સુધી ર્‌હેવું કે નહીં ? એ મળે એટલે શું કરવું ? એનું મ્હોં કેમ તરછોડાશે ? મ્હારે માટે અંહી સુધી આવે છે ! – એની સાથે પાછાં જવું પણ નહી જ ! અરેરે ! એક માણસની પાછળ બીજાં કેટલાં દુ:ખી થાય છે ? – તમારી શી અવસ્થા થશે? – કુમુદસુંદરી ! મ્હારો અપરાધ ક્ષમા કરજો !– હું જઈશ જ – ફરી તને મૂર્છા નહી પમાડું.”

આ ઉત્સાહ–સમયે સરસ્વતીચંદ્ર એકલો જ શોકમાં ન હતો. કુષ્ણકલિકા અને પ્રમાદધનની વાર્ત્તા વનલીલાદ્વારા અલકકિશેરી પાસે, અલક પાસેથી દેવી પાસે, અને દેવી પાસેથી રાત્રે બુદ્ધિધન પાસે પહોંચી ગઈ હતી. વિશુદ્ધ પુરુષને પાંસુલ પુત્ર જોઈ અતિ ખેદ થયો. “આહા ! મ્હારા પુત્રની વહુ પણ મ્હારા ઘરમાં આમ મ્હારા પુત્રને હાથે પરાભવ પામે છે : અને તેનો ઉપાય કરવા હું અશક્ત છું તો બીજા ફરીયાદીયોનું હું શું