ઘોડેસ્વાર આવતા હતા, અને ઘોડાના પગના ડાબલાનો પોલો સ્વર અધ ઉંઘતા સરસ્વતીચંદ્રના કાન ઉપર ડાબકા દેવા લાગ્યો.
ગાડાની સામી પાર ઘણે જ છેટે ક્ષિતિજમાં સામી ધુળ ઉડતી હતી અને ઢોલ અને રણશીંગા જેવા સ્વર તથા હોંકારા ઘણે આઘેથી આવતા હતા. રખેને એ સ્વર ધીરપુરવાળા બહારવટીયા તરફના તો ન હોય જાણી આવા પ્રસંગોનો અનુભવી ગાડાવાળો કંપતો હતો અને અંદર બેસનારને ક્હેવું કે ન ક્હેવું તેને વિચાર કરવા લાગ્યો. ગાડાની લગોલગ એક જ સંન્યાસી ચાલતો હતો તેને જોતાં મૌન ડહાપણ ભરેલું લાગ્યું.
ગાડામાં ડોશી બેઠી હતી તે કંઈક લૌકિક કવિયોનાં પદ ગાતી હતી અને તેમાંથી છુટક ત્રુટક કડકા સરસ્વતીચંદ્રના હૃદયમાં પેંસતા હતા.
“સુખ દુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડીયાં;
“ટાંળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીયાં.”[૧]
“જંગલ વસાવ્યું રે જોગીયે, તજી તનડાની આશ જી!
“વાત ન ગમે આ વિશ્વની, આઠ પ્હોર ઉદાસ જી ! - જંગલο
"સેજ પલંગ રે પ્હોડતા, મંદિર ઝરુખા માંહ્ય જી,
“તેને નહી તૃણ સાથરો, ર્હેતા તરુતળ છાય જી: - જંગલο
"શાલ દુશાલા હોડતા ઝીણું જરકશી જામા જી
“તેણે રે રાખી કંથા ગોદડી, સહે શિર શીત ધામ જી, – જંગલο
“હાંજી ક્હેતા હજારો ઉઠતા, ચાલતાં લશક૨લાવ જી
“તે નર ચા૯યા રે એકલા, નહી પેંજાર પાવજી-જંગલο[૨]
સરસ્વતીચંદ્ર સ્વપ્નસ્થ હતો તેને અનેક ડુસકાં ભરતી આકાશમાં અદ્ધર ઘટકતી ગાડા પાછળ દોડતી આવું આવું ગાતી કુમુદસુંદરી દેખાઈ. વળી ડોશી ગાવા લાગી:
"કાયા માયા કુંડી રે રાખી ત્હારી ર્હેશે નહી,
“જોને તું વિચારી રે, ઘેલા ! કેમ અકકલ ગઈ? – કાયાο
“વાદળની છાયા રે, જોતાં જોતાં છેટે ગઈ!” [૩]