લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

બાપના તરફથી અાટલી મદદ વારસામાં આપ્યાનો સંતોષ પામું. માની ઇચ્છા એવી હતી કે રાણાનો કારભારી મ્હારા પીયરનો સગો થાય છે તેના ઉપર મ્હારા માસીયાઈ ભાઈ પાસે ભલામણ કરાવી પુત્રને તેની વયના બીજા છોકરાઓ કરતાં ઉંચી પાયરીની જગા અપાવું. ડોસો ડોસી પરસ્પર એકબીજાની દરખાસ્તના સરસપણા વિશે ચર્ચા ચલાવતાં બુદ્ધિધન સર્વ ચર્ચાનો ઉદ્દેશ સમજતો અને ઈચ્છતો કે વિચાર પોતાના પાર પડે અને માર્ગ મા બાપનો ઈચ્છ્યો લેવાય. સર્વસાધનભૂત લક્ષ્મીને ખેંચી ક્‌હાડવી એ તો સઉને સિદ્ધ હતું પણ કીયા કુવામાંથી તે બાબત મતભેદ હતો. राजद्वारे महालक्ष्मीर्व्यापारे वसति तथा વ્યાપાર કરવો કે રાજલક્ષ્મી શોધવી ? વ્યાપારમાં ખોટની બ્હીક, મુડીની જરૂર, ચિંતાની જરૂર, અધિકારીની ગરજ પડે ઇત્યાદિ કારણોથી રાજલક્ષ્મી શોધવી એવો ઠરાવ સંસારના ઉમેદવારે કર્યો. પણ આ કામ શી રીતે પાર પાડવું તેની ચિંતા રાતદિવસ રહ્યાં કરતી. રાણાને ત્યાં પ્રથમ તો ન્હાની સરખી નોકરી મળે, તેમાં પેટ ભરાય નહીં, પ્રતિષ્ઠાનું દ્વાર ર્‌હે નહીં, રાજસત્તા તો દૂર જ ર્‌હે, અને વળી મૂર્ખ અને પારકી માના જાયા અમલદારો પાસે વગ રાખવા કરગરવું પડે. બળી આ નોકરી. ધુળ નાંખી, દુ:ખી તો દુ:ખી પણ વ્યાપા૨માં અામ અરુચિકર ન થાય. અાવી રીતે સંશય-હિંદેાળે બુદ્ધિધન ચ્હડ્યો અને રાત્રે અને દિવસે, ઘરમાં અને બહાર, એકાંત શોધતો, વિચારમાં ગરક થઈ જતો, અને ઘણીકવાર માબાપની પાસે પણ શૂન્ય હૃદય – શૂન્ય-નેત્ર - શૂન્ય-કર્ણ બનતો. એકલો બેઠો બેઠો હજારો તર્ક કર્યા કરતો, હજારો લોકો પોતાનો નિર્વાહ કેમ ચલાવે છે તેનું સંશોધન કરતો, તેમને ઉપજીવિકાનું સાધન પ્રથમ કેમ મળ્યું એ વિશે ખંતથી પુછતો અને એ સઉ રસ્તા પોતાને વાસ્તે ઉઘાડા છે કે નહી તે વિચારતો. વળી એક રસ્તો અરુચિકર લાગતો. બીજો નિર્ભય નથી. ત્રીજામાંથી લક્ષાધિપતિ થવાય એમ નથી, ચોથામાં તો ઘણીક ખરાબ અડચણો પડે. એવી રીતે ગણતો ગણતો. અાંગળીવડે ભોંય ઉપર, હવામાં, અને કપાળે, મ્હોટાં મ્હોટાં મીંડાં વાળતો અને ગણગણતો કે–-

શું થાશે તેની નહી સમજાણ પડતી કાંય;
વિકળ વિમાસી ભાવિને અમુઝાવું મન માંહ્ય.

વળી આ રસ્તામાં બેવકુફાઈ લાગતી અને અચિન્ત્યો એકાંતે ખડખડ હસી પડતો. અાખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોળવી, પણ થોડાં દિવસ વાટ જોઈ, ધીરજ ખમી, સારી નોકરી કેઈ છે તે ખોળવું અને ખોળી તેને જ મેળવવા યત્ન કરવો. આ સર્વ વિચાર પુત્રના મગજમાં