પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

ચાલતા અને તોફાન મચાવતા તે વખત માબાપ તેથી અજાણ્યાં ર્‌હેતાં: તેઓ તો ઘણી વખત પુછતાં કે 'ભાઈ શું કરવું છે ?' પણ જવાબમાં કંઈ સંતોષકારક મળતું નહી.

અા બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો અાનંદમય હતો. તેમાંથી તે કાંઈ કાંઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પુરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જુનું એળખાણ હતું તેમની પાસે જઈ ફારસી બેતો મ્હોડે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કારવડે તેનું અંતઃકરણ ઉંચી વૃત્તિયોથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પાટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઉંડી વિવેક-બુદ્ધિ (ફીલસુફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ અાવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિયો રચેલી; તેઓ ફાવેલા, હારેલા; ફસાયલા, લલચાયલા, અને બચેલા. કોઈએ કારભાર કરેલો, કોઈએ વ્યાપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઈએ બેવકુફાઈમાં કંઈ જોવાયલું નહી, કોઈએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો; ઈત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મ્હોંએ કોઈ વાર વગર પસ્તાવે, કોઈ વાર બડાશના સંતોષ સાથે; અને કોઈ વાર નિઃશ્વાસ સાથે થતી તે સર્વનું ટીપ્પણ બુદ્ધિધનના હૃદયમાં થતું. બેતો, કથાઓ, અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મ્હોંથી નીકળતી , તેમાં હોંકારો ભણી ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, ટાળી આપી, 'જોયું અામ થયું તેનું આ પરિણામ' કહી સાર ક્‌હાડી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી, અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઈ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામચી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી–કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સઉના અાનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે, ન્હાતાં ન્હાતાં, જમવાની ઘડીએ, વાળું કરતાં, પથારીમાં સુતાં સુતાં, શીયાળામાં તાપતાં તાપતાં ઉન્હાળામાં ચંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળાં વાદળમાંથી વર્ષાદ ટપક ટપક થયાં કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરનાં