કથી–રંગમાં ભંગ ન પડે એવી રીતે છુપાઈ રહી જોવા લાગી અને તે
સૌભાગ્યવૃત્તિમાં એના રંક તરંગો લય પામ્યા. અત્યાર સુધી જેને ઓછું
અાવતું હતું તે માતા છાતીએ હાથ દઈ ઈશ્વરનો અાભાર માનતી સ્નિગ્ધ
ભીની અાંખવડે જ જીવતી હોય એમ વડીલનો રુઢીધર્મ ભુલી પોતાને ન
જોવાનું જોઈ રહી.
બુદ્ધિધન અને સૌભાગ્યદેવીનું તારામૈત્રક રચાયું હતું તેની સીમા આવી રહેતાં હમણાં એ મને પાણી છાંટશે એવી બ્હીક લાગવાથી બુદ્ધિધન તે રમણીય બ્હીક ખરી પડવાની વાટ જોઈ સજ્જ થતો હતો પરંતુ તે બ્હીક ખરી ન પડી અને વધારે જોતાં સૌભાગ્યદેવીની અાંખ અાંસુ ભરી ભાસી. તે એકદમ ઉઠ્યો. પાણીભર્યો કળશ દૂર મુકાવી મુગ્ધ કન્યાને હાથ ઝાલી 'શું ? થયું ? આ શું ?' એમ પુછવા લાગ્યો અને ઉત્તરમાં નીચી દૃષ્ટિ તથા વધતાં ડુસકાં શિવાય બીજું કાંઈ ન મળ્યું એટલે તેને છાતી સરસી ચાંપી વાંસે હાથ ફેરવવા લાગ્યો.
તેની માને રુઢીધર્મ ઓળંગાયાનું અચિન્ત્યું ભાન આવ્યું અને એકદમ પાછી હઠી વિચારમાં પડી ઝડપથી પોતાના ઓરડામાં જઈ બેઠી. ન જોવાનું જોયું એમ તેને સ્પષ્ટ લાગ્યું.
"કંઈ નહી–" "કંઈ નહી–" કહી બાથ છોડાવી ભાન આવ્યું હોય તેમ સૌભાગ્યદેવી પાણીનું પાત્ર લઈ એકદમ ઝડપથી સાસુ પાસે ચાલી. બુદ્ધિધન સાશ્ચર્ચ અને દિઙ્મૂઢ બની ઉભો જ રહ્યો.
અાટલા ભેદભંગનો પ્રસંગ આજ સુધીમાં આ પ્રથમ જ થયો હતો. બન્નેને તેનાથી તનમનમાં નવા વિકારના ચમકાર થતા જણાયા. વિચારમાં પડી ધીમે ધીમે પોતાને ઠેકાણે જઈ બુદ્ધિધને હીંચકા ખાવા પાછા અારંભ્યા.
તેની માના મનમાં નક્કી થયું કે ડહાપણનો રસ્તો એ છે કે વરકન્યાને એકદમ પરણાવી દેવાં અને પોતાના વૈધવ્યનું વર્ષ પુરું નથી થયું તેનો બાધ ન ગણવો. મનમાં માત્ર જરાક ઓછું આવ્યું, પણ પોતાની ન્હાની વયના દિવસ સંભારી ઉદાર ચિત્તમાં ક્ષમાદૃષ્ટિ ભરી. 'નાચી ખુંદીને પગ સામું જોવું' અને 'છોકરાંને ઢાંકવાં' એ આર્યમાતાઓની સહજ બુદ્ધિ છે. દેવી કન્યાવસ્થાની બહાર નીકળવા યોગ્ય થવા છતાં શોકના બાયસથી તેનું લગ્ન કરવું અટકી પડ્યું હતું, પરંતુ આ કૃત્રિમ બાધ ઈશ્વરલીલા આગળ ટકી રહેવાનો નથી અને કૃત્રિમ લગ્નની વાટ અંત:કરણોનું લગ્ન જોશે નહી એ વાતનું તાત્પર્યં ચકોર માતા તરત સમજી ગઈ.