જુદાં પાસવાનો મળી સઉને ઓછામાં ઓછા પચાસ હજાર લાંચના જોઈતા હતા અને એટલો જ દરબારને નજરાણો જોઈતો હતો.
આવા વખતમાં શત્રુનો શત્રુ તે મિત્ર એમ થયું. બુદ્ધિધને ભૂપસિંહને અર્થે કારભારીયો સાથે બાથ ભીડવા હીંમત કરી. ભૂપસિંહને પઈસે ટકે મોસાળમાંથી આશ્રય હતો અને તેમાંથી બુદ્ધિધનને પણ ઘરના નિર્વાહની ચિંતા દૂર થઈ અને કારભારીયો સાથે લ્હડતાં 'હળવટ કે જળવટ' કરવા તત્પર થયો. ભૂપસિંહને પણ બીજું કોઈ કારભારીની બ્હીકે મળતું ન હતું એટલે એ ઠીક પડી ગયું. ગરાસીયો અને મુત્સદ્દી રાત્રે રાત્રે મળતા, વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરતા, અને હજીસુધી કોઈની નજર ચ્હડે એટલું તેમનું વજન થયું ન્હોતું.
એમ કરતાં કરતાં બુદ્ધિધન અને ભૂપસિંહનો પ્રસંગ પ્રસિદ્ધ થયો, અને એક સાથે બીજો પણ કારભારીયોનો શત્રુમાં લેખાવા લાગ્યો. પોતે કાંઈ પણ દેખીતું કામ કરી શક્યો ન હતો એટલામાં આ પરિણામ થયું જોઈ બુદ્ધિધનને સારું ન લાગ્યું. આખરે સામા શસ્ત્ર વાપરવા સજ્જ ર્હેવાની તેને જરુર લાગી. સુવર્ણપુરમાંથી ઘર તથા જમીન વેચી ઈંગ્રેજી હદમાં જમીન લીધી અને લીલાપુર નામના ઈંગ્રેજી થાણામાં બે જણ જઈ ૨હ્યા. બુદ્ધિધને કુટુંબ પણ સાથે લીધું. કુટુંબ નીકળ્યું તે દિવસે દુષ્ટરાય ત૨ફથી સૌભાગ્યદેવીને પકડવા નીચ હુમલો કરવા ધારેલો પાછળથી માલમ પડ્યો તે ઉપરથી કુટુંબ સાથે લેઈ લીધું સાર્થક થયું લાગ્યું.
લીલાપુરમાં બન્ને જણાએ જુદાં જુદાં ઘર ભાડે રાખ્યાં. ગામથી એક બે ગાઉને છેટે સરકારી એજંટ કર્નલ મસ્કિન સાહેબ રહેતા. તેમના તાબામાં સુવર્ણપુર, રત્નપુરી તથા બીજાં બેચાર સંસ્થાનો અને સાત આઠ તાલુકા હતા. તે સંસ્થાનો દશથી પચાશ લાખ સુધીની જુદી જુદી ઉપજનાં હતાં. સાહેબ જાતે લશ્કરી માણસ હોવાથી આનંદી મીજાજના હતા, શીઘ્ર વિચાર પસંદ કરતા, અને હુકમનો અમલ થતાં ક્ષણ પણ ઢીલ થતી અથવા સામું કારણ કોઈ બતાવે તો અધીરા થઈ જતા અને તપી જતા. સિદ્ધો રસ્તો લેવાની જાતે ટેવ રાખતા, સામું માણસ આડે રસ્તે જાય છે એમ હંમેશા વ્હેમાતા, અને તેવા માણસ સામે સર્વ જાતના ઉપાય લેવામાં ન્યાયબુદ્ધિને નિરુપયોગી ગણતા. જાતે કામ કરવું હોય ત્યારે સ્વાભાવિક ડહાપણ ભરેલા અને દૂરદર્શી વિચાર કરી શકતા પરંતુ ઘણું ખરું કામ શીરસ્તેદાર મારફત લેતા. શીરસ્તેદારને ઘણી બાબતમાં સામા માણસના સારા નરસાપણા વિશે પૂછતા અને તેનો તથા