લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬


“અમારું કામ તો એ જ છેસ્તો. બીજા કામમાં બીજાં.”– કરી રાજબા રોઈ પડી અને બોર બોર જેવાં આંસું આણ્યાં.

"આ શું ?"

“ નહી જાણતા હો ? બુદ્ધિધન જેવા સારા દોસ્તની સોબત છોડી; ગરાસ પાછો મેળવવાનું તો મનમાં જ શાનું હોય ! સદાશિવ જેવા લુચ્ચાની સોબત શોધી અને–”

"અને શું ?"

“ શું તે એ કે હવે તમારે મ્હારું કામ રહ્યું નથી. હાસ્તો, દક્ષિણી જેવાં રુપાળાં અમે તે ક્યાંથી હઈએ ?”

એકપાસ આ સંવાદ શરુ થયો. બીજી પાસ સદાશિવે રજા માગી. તરત તેનું કામ ઉપાડી લે એવું કોઈ ઑફિસમાં ન હોવાથી સાહેબે રજા આપવા આનાકાની કરી. સદાશિવને મન હવે બુદ્ધિધન તેનો પોતાનો થયો હતો તેને વિનંતિ કરી અને બુદ્ધિધને ઉપકાર કરતો હોય તેમ તે કબુલ કરી તેની અવેજીમાં કામ કરવા સ્વીકાર્યું. સાહેબે પણ તે ગોઠવણ પસંદ કરી. બુદ્ધિધનને ધાર્યો અર્થ સાધવામાં એક પગથીયું ચ્હડવા મળ્યું.

ભૂપસિંહ હવે એકલો પડ્યો. રમાબાઈ ગઈ. રાજબા બમણું જોર કરી ચાલવા લાગી. રમાબાઈમાં અને સદાશિવમાં ભૂપસિંહનો પઈસો તણાઈ ગયો હતો અને ગરાસ સાંભરવા લાગ્યો. ગરાસ સાંભર્યો એટલે બુદ્ધિધન પણ પાછો સાંભર્યો અને તેની ગરજ પાછી પડી; પણ ટેક છોડી તેને ગરજ બતાવવી તે મરવા જેવું હતું. પણ રાજબાને ૨ઢ લાગી. તેણે ધણીને મોસાળ સમાચાર મોકલ્યા. મામાએ ક્‌હાવ્યું કે, “બુદ્ધિધનને શોધો: એ હવે શીરસ્તેદાર થયો છે. આમ બાયલા થઈ બેસી રહો છે અને કુછંદે પડો છો તે ઠીક નહીં.” ઘરમાં વધારે વખત રહેવાનું થયું અને રાજબાએ પણ પોતાની વાત છોડી નહી અને કહ્યું કે, “બુદ્ધિધન સાથે ટેક હોય નહી; તે આપણા હિતેચ્છુ છે. તમારી કચાલને લીધે તેણે તમને છોડ્યા છે. તમે સુધર્યા જાણી તે રાજી થશે. હવે તે પદવી ઉપર છે અને તમને કામ પણ લાગશે.” આખરે ગરાસીયણે જય મેળવ્યો અને એનાથી કાયર થઈ ગરાસીયો ઉદાસી બની બુદ્ધિધન પાસે પાછો જવા આવવા લાગ્યો. એવામાં કાંઈક રોગથી રાજબા અચિન્તી એકાએક ગુજરી ગઈ એટલે બુદ્ધિધન પણ ભૂપસિંહને ઘેર નિર્ભય બની જવા લાગ્યો, તેને પઈસે ટકે મદદ કરવા માંડી, બન્નેનો સંબંધ પાછો થયો, અને બુદ્ધિધનમાં આવેલી સાવચેતીથી એ વાત ઉઘાડી પડવા ન પામી.