લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦

છે.” આટલી વાતથી કાંઈ શઠરાયે ભેદ આપ્યો નહી અને બુદ્ધિધનના બો૯યામાં તેને કાંઈક વહેમ પડ્યો પણ તે જતો રહ્યો.

ભૂપસિંહનો ગરાસ હજીસુધી દરબાર પાસે હતો. ભૂપસિંહ અને એનાં ભાઈ બહેનનાં લગ્ન, તેમના માબાપના ક્રિયા ખર્ચ ઈત્યાદિમાં ઘણું ખરચ કરવું પડ્યું છે, દુકાળ ગયા, અને એવાં નિમિત્ત ક્‌હાડી જડસિંહનો કારભારી ભૂપસિંહ પાસે દરબારનું લ્હેણું ક્‌હાડતો હતો અને તે વસુલ કરવાને નિમિત્તે પોતાનો વહીવટ લંબાવતો હતો. બુદ્ધિધને ચાલતા અરસામાં ભૂપસિંહ પાસે આ વહીવટ પાછો લેવા બાસ્કિન્ સાહેબને અરજી કરાવી: બુદ્ધિધને તે અરજી શઠરાયને દેખાડી. હા ના કરતાં સુવર્ણપુરના દરબારમાંથી બુદ્ધિધનને પચાસ હજાર રુપીઆ મળ્યા અને ભૂપસિંહને ગરાસ ન મળવા દેવાનું તેણે માથે લીધું. વાતમાં વાત કરતા અને પોતાને ભરોસો ઉપજ્યો હતો તેવી કારભારીયોએ કીયા કીયા ચોપડા કેવી કેવી રીતે જુઠા રાખ્યા હતા અને હીસાબ કેવી રીતે જુઠો રાખ્યો હતો તે સમજવાની તક મળી અને તે તકનો ઉપયોગ કર્યો. સાહેબને અષ્ટપષ્ટં સમજાવ્યો, હીસાબમાં કુંડાળાં વાળ્યાં, અને બીજાં પાંચ વરસ સુધી ગરાસ દરબારના હાથમાં રહે એવો ફેંસલો થયો. પચાશે હજાર ભૂપસિંહને ગાદી મેળવવામાં વાપરવાના હતા તે એને ખબર હતી એટલે એ લોકમાં બડબડ્યો પણ મનમાં સંતોષ પામ્યો.

ભૂપસિંહ અને બુદ્ધિધનને કાંઈ સગપણ નથી અને બુદ્ધિધન પઈસાથી જીતાય એવો છે એવું હવે શઠરાયને સ્પષ્ટ લાગ્યું અને તેને હઈએ નીરાંત વળી. હવે તો સુવર્ણપુર આવે ત્યારે શીરસ્તેદારને આગ્રહ કરી કારભારી એક બે વાર પોતાને ઘેર જમાડે અને તેની સાથે ગપાટા હાંકે અને બીજાં માણસો પણ શીરસ્તેદાર સાથે હળી ગયાં. હળવે હળવે કારભારીના ઘરનાં સઉ માણસો અને તેમની ઘણીક વાતો બુદ્ધિધન જાણી ગયો. નરભેરામ પણ તેની સાથે આવતો અને એ ઘરનાં છિદ્ર શોધી ક્‌હાડી, જાણી, આનંદ પામતો.

દુષ્ટરાયની બ્હેન ખલકનંદા હતી અને વહુ રૂપાળી હતી. ખલકનંદા સાસરે જાય ત્યારે એક જમાલખાન નામનો સીપાઈ ફાનસ લઈ તેને મુકવા જતો. જમાલખાન ગાતો તથા ચિત્ર ક્‌હાડતો અને વાળબાળની ટાપટીપ કરતો. સાસરે જતાં જતાં ખલકનંદા કોઈ વખત જમાલખાનને ઘેર પણ જાય અને ઘડી બે ઘડી ક્‌હાડે. કોઈ વખત મરદનો લેબાસ પહેરી જમાલખાનને હાથે વળગી ગેલ કરતી કરતી રાત્રે ફરવા પણ જાય. રૂપાળી વહુને