પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧


“ લ્યો આ પુસ્તક; તમે જ્ઞાતે કેવા છો ? ”

“ જી, આપની જ જ્ઞાતનો છું.”

“ અત્રે ર્‌હો ત્યાંસુધી આપણે ઘેર જમજો.”

“ જેવી ઈચ્છા. "

કુમુદસુંદરીની ચિત્તવૃત્તિને ગમ્યું, તેની પતિવ્રતાવૃત્તિને ન ગમ્યું.

બુદ્ધિધન પોતાને ઘેર વિચિત્ર મનુષ્યોનું પ્રદર્શન જમાવતો તેમાં ઉમેરો થયો જાણી રાજી થયો. નવા અતિથિને યોગ્ય સત્કાર કરવાનું અલકકિશોરીને માથે પડ્યું – તેણે માથે લીધું. તપોધનને હુકમ થયો કે વાળુ વખત નવીનચંદ્રને ઘેર આણવો.

કુમુદસુંદરી જાણી જોઈ અાના સામું જોઈ રહી હતી. કદી કદી તેના દૃષ્ટિપાત ન ખમાતા હોય એમ અાંખો મળતાં તે અાંખ ખેંચી લેતો હતો, ઘડીક બેધડક જોઈ ર્‌હેતો. ઘડીક દ૨કા૨ ન હોય તેમ જોઈ બીજે ઠેકાણે નજર નાંખતો. પરીક્ષાના કાર્યમાં સુંદરીના મનની અમુઝણ ધોવાઈ ગઈ. “ચંદ્ર” અને “ભ્રમર” વાળી કડીયો જોડી હતી તે ફરી ફરી મનમાં ગાતી સઉની જોડે ગાડીમાં બેઠી. બુદ્ધિધન પોતાની ગાડીમાં બેસી ગયો.



પ્રક૨ણ ૮.
અમાત્યને ઘેર

વીનચંદ્ર અમાત્યને ઘેર સવાર સાંઝ જમવા જવા લાગ્યો. શઠરાયને ઘેર કોઈનો – અતિથિનો પણ– ભાવે પુછાતો ન હતો અને શેઠ અાવ્યા તો નાંખો વખારે એમ સઉ કોઈને થતું. ઘરમાં આવનાર, પાસે બેસનાર, સાથે જમનાર સઉ કોઈ શઠરાયને ઘેર જાય ત્યારે જાય તેમનાં તેમ પાછા આવતાં, કુતરાની પેઠે કોળીયો ધાન ખાય, પણ શઠરાય પોતાની સાથે બોલે કે ચાલે નહી એટલે આવનારને મન એમ જ થતું કે અહીંયાં ક્યાં ભરાઈ પડ્યા. બુદ્ધિધનને ન્હાનપણમાં કોઈવાર ન્હોતરુ તો તેડું નહી ને તેડું તો ન્હોતરું નહી એમ થતું, ન જાય ને પાછળથી શઠરાયને સાંભરે કે એ આવ્યો નથી તો એને માથાના ફરેલમાં ગણે. કોઈ વાર તો કોઈ એવી મશ્કરી કરે અથવા એવું તો અભિમાન ભરેલું વાક્ય બોલે કે ઘરમાં આવેલો માણસ બેઠો ને બેઠો બળી જાય. બુદ્ધિધન તો કોઈવાર શઠરાયને ઘેર ભરાઈ પડે ને લાગ મળે તો છાનોમાનો અથવા કાંઈ બ્‍હાનું ક્‌હાડી ઘેર નાસી આવતો. અા સઉ જુના જમાનાની વાત હતી પણ બુદ્ધિધનને