પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮

સોયને ઘાયે સુળીમાંથી તમે ઉગરો અને ઉગારો જાણી આટલી સોયો ઘોચી તે તમને વાગી તો હશે – પણ ક્ષમા કરો. મ્‍હારો તમારો અને આખા કુટુંબનો ધર્મ સચવાય – સર્વનો ધર્મ અને સર્વનું કલ્યાણ જેમાં રહેલું છે – એવી વાત તમને કહું અને તે સફળ થાય એવો પ્રસંગ અત્યારે જ છે. જો અત્યારે ન કહું તો પછી આ જન્મમાં બીજો વખત નહીં આવે–માટે આવો પ્રસંગ જોઇ કઠણ થાઉં છું તે ક્ષમા કરો !” આટલું બોલતી બોલતી અત્યંત ક્ષમાવાન અને પતિવત્સળ વૃદ્ધ સ્ત્રી રોઇ પડી, અને માનચતુરના પગનાં તળિયાં ઝાલી વળી બોલી.

“ક્ષમા કરો ! ક્ષમા કરો ! આ પ્રસંગે હું વજ્ર જેવી કઠણ અને તરવાર જેવી ક્રૂર થાઉં છું, પણ શું કરું ? તમારામાં ઓછું દૈવત નથી. તમારા જેવા દૈવતવાળા પતિને હું પરણી છું. મને ઘણા લોકનો અનુભવ થયો છે અને ખાતરી કરી છે કે મ્‍હોટા ન્‍હાના સઉ જીવ પામર છે. કોઇ પોતાના મનને વશ રાખી શકતું નથી. પ્રસંગ નથી પડ્યો ત્યાંસુધી સઉ ડાહી ડાહી વાતો કરે એવા છે; પણ પ્રસંગ આવ્યે પુરુષમાત્ર ન્‍હાનું બાળક રમકડું જોઇ ચળે તેમ ચળે છે, નિર્દોષ અને પવિત્ર સ્ત્રિયોને ફસાવે છે, અને વિષયવાસનાને વશ બની ઘેલા'તુર બને છે. પુરુષનું મન બાયલું છે તેને પ્‍હલળતાં ર જમાત્ર વાર લાગતી નથી. પારાની પેઠે તે ગરબડી જાય છે. પુરુષને શરમ નથી, ધર્મ નથી, સગપણ નથી, સંબંધ નથી, પોતાનું ભાન નથી, પારકાનું ભાન નથી, – સ્ત્રીની સાથે એને માત્ર વિષયવાસનાનું સગપણ છે – વિષયવાસનાની જ ગરજ છે. મ્‍હોટા મ્‍હોટા શાસ્ત્રીપુરાણી જોયા, આચારવિચારવાળા અને ધર્મધ્યાનવાળા મ્‍હારી અાંખ તળે આવી ગયા, જ્ઞાની અને સંન્યાસી અને ભક્તરાજનાં અંત:કરણનું અંતઃકરણપણું કયાં સુધી ર્‌હે છે તે હું સમજી ગઈ છું, અને મ્‍હોટા અધિકારિયોનો અધિકાર તેમની કચેરીમાં જ હોય છે – તેમના બોલવામાં જ હોય છે – બાકી વિષયના તો તેઓ દાસ હોય છે. મ્‍હોટા તે ખોટા. અને આ તમારા ઇંગ્રેજી ભણેલાઓ આવે છે તે લાંચ ન લેવાની વાતો કરે છે ને ધર્મને નિંદે છે ને ક્‌હે છે કે સત્ય બોલવું એ જ ધર્મ છે ને ધર્મ તે અંતર્મા છે ને આપણા સઉના ધર્મ અને આચારવિચાર તો માત્ર વ્‍હેમ અને બ્હાર દેખાડવાના ઢોંગ છે. એ ઇંગ્રેજી ભણેલા કરતાં તો અમે બાઇડીઓ હજાર ગણી સારી. ભીંનાં અને વગરનચોવેલાં લુગડાં ટપક ટપક થાય અને અાંગળીવડે