પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭

નાંખી ગુણસુંદરી પ્રફુલ્લ મનથી નીચે ગઇ. મધ્યરાત્રિ થવા આવી હતી, ઘરમાં સઉ સુઇ ગયાં હતાં, પોતાની ગજાર આગળ ઉમ્મરનું અશીકું કરી સુંદરગૌરી જમીન ઉપર ઉંઘી ગઇ હતી તેને ઉઠાડી, ઠેકાણે સુવાડી, અને ગુણસુંદરી, પોતાના ખાટલામાં જઇ સુતી. સુતી, પણ ઉંઘ ન આવી. કાલ એને સૂતક ઉતારવાનું હતું અને હવેથી ઘરની વ્યવસ્થા કેવી રીતે રાખવી, બ્હોળા કુટુંબને શી રીતે આનંદમાં રાખવું, પતિના મનને શી રીતે ખરેખરો આનંદ આપવો, વગેરે વિચારમાં ઉંઘ ન આવી ને વિચાર ઉપર વિચાર આવવા લાગ્યા. બાર વાગ્યા, એક વાગ્યો, બેના ટકોરા થયા, પણ આંખમાં ઉંઘ ન મળે !

“હે ઈશ્વર ! આ મહાસાગરમાં તરવાનો કોઇ માર્ગ સુઝાડ. હું પ્હોર એમ જાણતી હતી કે ઘરમાં જેમ માણસનો ભરાવો તેમ બધાંને એકઠાં ર્‌હેવાનો લ્હાવો. પણ આ તો લ્હાવો નથી – લ્હાળો છે. સઉના જુદાં જુદાં મન – સઉના જુદા જુદા રંગ – સઉને જુદી જુદી મ્હોટી ઝાડ જેવી કટેવો – અને એ કટેવો ન વેઠાય તો આપણે સઉને મન ભુંડાં – પછી આપણા મનમાં ગમે તેવી પ્રીતિ હો. સઉનાં મન સાચવવા જતાં આપણું કોઈ નહી – ધોબીનો કુતરો ન ઘરનો ને ન ઘાટનો – એવી હું – એ જોઇ લીધું. સંસારસાગર વસમો ક્‌હેવાય છે તે અમસ્તું નથી ક્‌હેવાતું. મને બધી જાતના અનુભવ થઇ ગયા અને હજી કોણ જાણે શું શું બાકી હશે ? આ સસરા – આ સાસુ – આ નણંદો - આ જેઠ – ને આ જેઠાણી: સઉમાં અક્‌કેકો ગુણ અને અક્‌કેકો અવગુણ. આ સુંદર નીરાંતે ઉંઘે છે – ઉંઘ, બ્હેન, ઉંધ – મ્હારા કરતાં તું સુખી છે - ત્હારે એક ત્હારી જાતની ચિંતા - બીજા કોઇની નહી. મ્હારે બધાંની ચિંતા. આ છોકરી વળી મ્હોટી થશે ને કોણ જાણે શી શી ચિંતા કરાવશે ? પણ ઓ મ્હારા ચતુર, તમારે તો મ્હારા કરતાં પણ વધારે ચિંતા છે, મ્હારાથી તમારી ચિંતા તો થઇ શકતી નથી – તમારી ચિંતામાં ભાગ લેવાય એ મ્હારાથી બનતું નથી. અરેરે! આજ એમનું મ્હોં કેવું લેવાઈ ગયું? મ્હારા એક શબ્દ ઉપરથી એમનું મ્હો લેવાઈ ગયું. હસતા હસતા આનંદમાં ઘડી ગાળવા આવ્યા તે ઉતરી ગયેલે મ્હોંયે પાછા ગયા. કોણ જાણે એમને શા શા વિચાર થઇ આવ્યા હશે ? મ્હેં ભુંડીએ પુછ્યું સરખું નહી. શું પુછવાનું હતું ? ઉઘાડી જ વાત છે સ્તો ! આ બધા કુટુંબની એમને ચિંતા છે – બોલતા નથી, પણ આંખો છે તે જોયા વગર ર્‌હેતા હશે કે કાન છે તે સાંભળ્યા વગર ર્‌હેતા હશે ?