પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫

હતો, પણ મનોહરીના દૃષ્ટાંતથી કજોડા ઉપર દુ:ખબાને તિરસ્કાર આવ્યો હતો. મનોહરિયે કહ્યું: “જેના ભોગ હશે તે કજોડું જોશે.” વૃદ્ધવરની વાતમાં ગુણસુંદરી સામી પડી, “બ્‍હેન, ડોસો ને ડાબલો જોઇ રળવાનું નથી. ભાયડાઓનાં શરીર સંસાર ચલાવવા જેવાં ઘણાં વર્ષ સુધી ર્‌હેછે – પણ પચાશ વર્ષે તે પણ નકામાં પડેછે. ને આ કળિયુગમાં સાઠ વર્ષનું આયુષ્ય. માટે વર પચાશ વર્ષનો થાય ત્યારે દુનિયામાંથી ગયો સમજવો ને ત્યાર પછી એને પરણેલી હોય તેનોયે સંસાર વગર ગયે ગયો સમજવો. વર સાઠ વર્ષનો થાય ત્યાં સુધી દીકરીને ઢાંક્યો રંડાપો ને સાઠ વર્ષ પછી ઉઘડો રંડાપો માટે એ વાત તો પડતી જ મુકવી.”

ગુણસુંદરીને લક્ષમાં રહ્યું નહી, પણ સુતો સુતો માનચતુર આ સાંભળતો હતો તે આંખો ચગાવી એકલો એકલો જોઇ રહ્યો અને વિચારમાં પડ્યો કે આવી આવી વાતો આ શી રીતે જાણતી હશે ?

મનોહરીથી ર્‌હેવાયું નહી તે બટકબોલી હશી પડી અને ગુણસુંદરીનો ખભો ઝાલી, પોતાનો એક હાથ લાંબો કરી, વચ્ચે પડી, મ્‍હોટે સાદે બોલી ઉઠી: “ઉભાં રહો, ઉભાં રહો, કાકીજી ! તમે આ વાત ક્યાંથી જાણી ? – ડાહી ડાહી વાતો કરો છો તેની ના નહી – પણ આજ પકડાયાં – ક્‌હો જોઇયે! તમે આ વાત ક્યાંથી જાણી ગયાં ? –"

"પકડાયાં–પકડાયાં ! કાકી ! પકડાયાં | પકડાયાં !"

“બોલો ! બોલો ! તે વગર બીજી વાત નહી કરવા દઉં.”

દુ:ખબાએ મનોહરીનો હાથ વછોડ્યો અને ધમકાવી કહ્યું: “ખશ, આધી ! સમજ્યું અણસમજ્યું શું વચ્ચે બોલ બોલ કરેછે જે?”

“શું છે વળી ? પુછિયે પણ નહી કે ? આ લ્યો ! કાકીજી બોલતાં નથી ને તમારે શું જે ? ”

"તે બોલતા નથી માટે એમણે વાંક કર્યો ? કંઇ વિચાર તો ખરી ભસવું જ સમજે છે કે કંઇ બીજી, અક્કલ છે?”

વિચારમાં પડી મનોહરી સમજી, ગુણસુંદરી હસી અને બોલી: “વહુ, પરણ્યાં ન હઇયે પણ જાને તો ગયાં હઈયે જો ! તમારા જેવાં કોઇ ક્‌હેનાર હોય ને તેને પુછવા જેવું હોય ત્યારે જરી પુછયું પણ હોય એટલે જાણ્યું યે હોય! ”

“ખા હવે ! પુછ, પુછ, પુછીને સાર ક્‌હાડ્યો ? તને કહી કહીને જીભના કુંચા વળી ગયા કે આ કાકીજીને છેડીશ નહી તે છેડીને લેતી જા હવે !” – દુ:ખબા બોલી ઉઠી.