પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫


લીધાં અને સ્ત્રિયોની તેમ જ તમારા જેવા પુરુષોની સઉ ચિંતા ઉપાડી લીધી !"

પોતાની ચિંતામાં પડેલો ચંદ્રકાંત આ વાકયથી સાવધાન થયો, આભો બન્યો, અને દેશને અશસ્ત્ર કરનાર ધારાના વિચારમાં પડી સરકાર ઉપર મનમાં ખીજવાયો.

માનચતુર બોલ્યો: “મુંઝાશો નહી; આ ઉતાવળને પ્રસંગે વાદવિવાદ કરવાનો નથી. તમથી કાંઇ અમારી સાથે આવી નીપજે એમ નથી. કાયદાની તકરારો બ્હારવટિયા સાંભળે એમ નથી. હું તમને બંધુક આપું પણ દારુગોળાને ઠેકાણે કાંઇ તેમાં ચોપડીઓ ભરાય એવું નથી. મને વાત કરવા વખત નથી. હું હથિયાર બાંધી જાઉં છું. પાછો આવું એટલામાં આ વાત ઉપર એક નિબંધ લખી ક્‌હાડજો."

માનચતુર ઉત્તર સાંભળવા ઉભો ન રહ્યો પણ બીજા ખંડમાં ચાલ્યો ગયો. ચંદ્રકાંત શરમાઇ, ખીજવાઇ, સજડ થઇ જઇ, બેસી જ રહ્યો. થોડીવારમાં ઘર બ્હાર થતા પગરવથી, કોલાહલથી, એકદમ આવતા જતા મસાલોના અજવાળાથી અને પાછાં થઇ જતા અંધારાથી, અસ્પષ્ટ સંભળાતા ઘણાક જનના ગભરાયલા ઉતાવળા બોલથી, ઘોડાઓની ખરીઓના પડઘાથી, હથિયારોના ખડખડાટથી, સઉને અંતે “ચાલો ચાલો” એવા માનચતુરના દૂર જતા રહી જતા તીવ્ર શબ્દથી, અને આખરે એ સઉને ઠેકાણે થઇ જતાં અંધકાર અને નિ:શબ્દતાથી, સઉ લશ્કરનું પ્રયાણ થયું અને પોતે એકલો રહ્યો એવું ગુંચવાયલો ચંદ્રકાંત સમજી ગયો, અને વિચારમાં ને વિચારમાં બેઠો હતો ત્યાં ને ત્યાં એમનો એમ રાત્રિના ત્રણ વાગતાં ઉંઘી ગયો.



પ્રકરણ ૭.
જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર.

સરસ્વતીચંદ્રના ચિત્તની પરમાર્થવૃત્તિ કલ્પવા પણ અસમર્થ સ્વાર્થલોચનથી જ લોચનવાન્ અર્થદાસ મણિમુદ્રા લેઇ પલાયન કરી ગયો તે પ્રસંગે દિવસ પુરો થતાં રાત્રિ આકાશના ગર્ભસ્થાનમાંથી અર્ધી જ જન્મેલી હતી અને અર્ધ ભાગે આકાશના ઉદરમાં હતી. આકાશ પણ પ્રસૂતિકાળની ભયંકર અવસ્થા ભોગવતું હતું. તેને મૂર્છા આવતી હોય