પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
પ્રકરણ ૧૦.
બ્હારવટિયાએાનો ભેટો.

નિદ્રાવશ કુમુદસુંદરીને લેઇ રથ ચાલ્યો અને રથને વચ્ચે રાખી રવાલદાર ઘોડાઓ ઉપર બેઠેલા સ્વારો - ન ધીમે - ન ઉતાવળથી - એ રીતે ચારેક ગાઉ ચાલ્યા હશે એટલામાં રાત્રિ પુરી થઇ જવા આવી. જંગલનાં પશુમાત્ર શાંત થઇ ગયાં અને ખડબચડી જમીન આવતાં રથચક્રનીચે ધબાકા થતા, પવનની લ્હેર અને મધુરી ત્હાડથી વેગવાળા થતા ધોરી બળદનાં પગલાં વાગતાં, સ્વારેના ઘોડાઓની ખરીઓ વાગતી, ક્વચિત્ કચરાતા કાંકરા બોલતા અથવા રથમાં ભરાતાં ઝાડનાં ડાળાં ખખડતાં અને રસ્તાની બાજુએ ગામડાં આવતાં આધે કુકડા સંભળાતા, એ શીવાય બીજો સ્વર સરખો સંભળાતો ન હતો. કુમુદ પાછલી રાતની મીઠી નિદ્રા ભોગવતી હતી. ગાડીવાળો હાથમાં રાશ અને પરોણો રાખી અર્ધો જાગતો છતાં ડોલાં ખાતો હતો, અને સ્વારો જાગૃત છતાં – ચારે પાસ નજર રાખતા હોવા છતાં - વાતો કરતા રહી ગયા હતા. ચારપાસ પૃથ્વી ઉપર અંધકારમાં આછું આછું તેજ ભળતું હતું, અને રસ્તાની બે પાસે ઝાડ અને છોડવાના રંગ દીસતા ન્હોતા પણ તેના છાંયડા અને ઉભા આકાર દેખાતા હતા. પૂર્વ દિશાના આકાશમાં ધેાળો તેજનો પડદો ચ્હડતો હતો. એક પછી એક તારાઓ દેખાતા બંધ થતા હતા અને આખા આકાશનો રંગ બદલાતો હતો. આ વખત આ મંડળને માનચતુરનું મંડળ સામેથી મળતાં સઉ સ્વારો ચમકયા, અબ્દુલ્લાએ પોતાનો ઘોડો તેમની પાસે લઇ જઇ સઉ સમાચાર ધીમે સ્વરે કહ્યા, અને સઉ મંડળ ભેળું થઇ જઇ આગળ ચાલવા માંડયું. માનચતુરે રથનો પડદો ધીમેથી ઉચકી જોયો અને કુમુદસુંદરીને ઉંઘતી જોઇ, પાછો નાંખી દેઇ, તે રથની જોડે ઘોડો રાખી ડોસાએ ચાલવા માંડયું. સઉ વધારે સાવધાન - સજજ - થઇ ગયા અને હથિયારો સંભાળતા ચાલ્યા.

અંધકારનો પડદો ઉપડી ગયો તેમાંથી જંગલનાં ચિત્રવિચિત્ર નાટકીય પાત્રો દૃષ્ટિમર્યાદામાં એકદમ ઉભરાવા લાગ્યાં. લાલ, પીળાં અને ધોળાં નાનાં મ્હોટાં ફુલોને ધારણ કરનાર ન્હાના ન્હાના લીલા છોડવા માર્ગની બે પાસ આઘા પાછા રહી પવનની ધીમી લ્હેરમાં નાચવા લાગ્યા. ખેતરોની ઉપરનીચે થયેલી સંભાળ વગર રાખેલી પોતપોતાના શેડા વચ્ચે પડી રહેલી માટી, પ્રસૂતાના ખાલી પડેલા