પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

મ્હારી વાત સાચી નહીં વસે – ત્હડાં પડવા દ્યો” એવો મનમાં વિચાર કરી, મલકતે મ્હોયે જેઠાણિયે કરેલાં કામમાંથી કાંઈ સારું કામ શોધી ક્‌હાડી, તે કામ બાબત સાબાશી આપી, કાંઈક આનંદવાર્તા ક્‌હાડી, ક્રોધવાર્તા ભુલાવી, ચતુર દેરાણી જેઠાણીને હસતી કરી કંઈ કામ કરવા મોકલી દેતી અને પોતે પોતાને કામે વળગતી. સુંદરગૌરીને ઘરના દાગીનાની તથા સામાનના ઓરડાની સંભાળ લેવા રાખી હતી. એના ઉપર ગુણસુંદરીને પૂર્ણ વિશ્વાસ હતો અને તેને બદલે એ અનાથ વિધવા કૃતજ્ઞ અને ઉપકારવશ બની ઓછી ઓછી થઈ જતી. પરંતુ આ જ સંબંધને લીધે ઘરનું સર્વ સ્ત્રીમંડળ તેની અદેખાઈ કરતું અને તેને માથે દોષ આવે એટલે રાજી થતું. ગુણસુંદરી એ સર્વે સમઝતી અને અનાથનું રક્ષણ કરવા સદા તત્પર ર્‌હેતી; પરંતુ સામાથી કળાય નહી એમ એ રક્ષણ કરતી, કારણ પોતે એનો પક્ષ લે છે એવું સ્પષ્ટ થતાં સુંદરગૌરીને વધારે ખમવું પડશે એવી તેની ખાતરી હતી. સુંદરગૌરીનાં ભાઈભોજાઈ સીમન્તભેાજનમાં આવતાં અને “બ્હેનને એની ભાભીનું ઉપરાણું મળ્યું અને આપણું નાક નીચું થયું ” સમઝી એ ભાઈભોજાઈ ઉઘાડો ખાર કરતાં અને વૈર રાખતાં. એક વખત તે જ્ઞાતિભેાજન સમયે કાંઈક કામ સારું સુંદરગૌરીને બ્હાર આવેલી દેખી લાગ જોઈ એના ભાઈએ હાથ ઝાલી ઘસડવા માંડી. ગાળો દેતો બોલ્યો કે “રાંડ, મ્હારું કુળ વગેાવ્યું, હું કિયે દ્હાડે ખાવા નથી આપતો કે દિયરને ઘેર જઈ રહી ?” ગરીબ બીચારી સુંદરગૌરી અનાથ થઈ રોવા લાગી. ગુણસુંદરીને ખબર પડતાં માણસો લઈ આવી એને છોડાવી અને બંદોબસ્ત કર્યો કે ગમે તે થાય તો પણ સુન્દર બ્હેનને કોઈએ બ્હાર ન મોકલવાં. આ સઉના બદલામાં ગુણસુંદરીને સુન્દરનાં ભાઈભોજાઈયે અગણિત ગાળો દીધી. પોતે ઘરમાં જઈ બેઠી એટલે એ ગાળો તો બંધ પડી; પરંતુ “આ શાં સુન્દર બ્હેનનાં માન! રાંડ અપશકુનિયાળ એ તે શીદ ઘરમાં જોઈયે ?” “એના વિના તે શું ઉણું રહ્યું હતું ?” ઈત્યાદિ નિર્દય વચન છાનાં છાનાં ઘરમાં બોલાતાં હતાં, ચંચળ મ્હોં મરડતી હતી, ચણ્ડિકા ઓઠવડે પૂકાર કરતી હતી; એ અને એવું ઘણુંક સાંભળ્યું અને જોયું અને તેથી ગુણસુંદરીનું અંતઃકરણ ચીરાતાં પોતાના હાથમાં હજાર ઉપયોગી કામ હતાં તે જેમનાં તેમ પડતાં મુકી ચોકવચ્ચોવચ પાટઉપર સુન્દરગૌરીનો હાથ ઝાલી બેઠી. સુન્દર શરીરે ગોરી અને અત્યંત લાવણ્યવાળી કોમળ કાન્તિવાળી હતી. સુવર્ણકાન્તિવાળા એના ગાલ અત્યારે તપાવ્યા જેવા દેખાતા