પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦

હતા અને તેઉપર ઉકળતાં આંસુ ઉપરા ઉપરી ગરતાં હતાં. ડુસકાંથી તેની કોમળ છાતી ધડકતી હતી. રાખોડીના ઢગલા નીચે સંતાઈ રહેલા દેવતાના અંગારા સાથે દીવાસળીનો સંયોગ થતાં તે ભભુકવા માંડે તેમ વિધવાવસ્ત્ર નીચે સંતાઈ રહેલું કાન્તિવાળું શરીર દુ:ખસંયોગથી કંપતું ધડકતું જણાયું. મ્હોયે અને આંખોયે કોમળ હાથ દેઈ તે ઝીણે સ્વરે રોતી હતી. પોતે પાટઉપર બેસી, એને જોડે બેસાડી તેનું માથું ખોળામાં લેઈ; એક હાથ એના માથાતળે રાખી, બીજો હાથ તેને વાંસે મુકી, તેને છાતી સરસી ગુણસુંદરી ચાંપવા લાગી અને આંખમાં પાણી આણી મધુર અને મીઠાં વચનથી આશ્વાસન કરવા લાગી. ઘરનાં સર્વ માણસ આશપાશ ભરાઈ ગયાં અને અત્યારસુધી ચાળા કરતાં હતાં પણ હવે સઉને દયા આવી અને ગુણસુંદરીની જોડે આશ્વાસક વચન બોલવામાં ભળ્યાં. બોપાગાળા વેડા ન ઠરે એવું ઈચ્છી સર્વે ભરાઈ જતાં સુન્દરગૌરી, આંસુ લ્હોઈ બેઠી થઈ અને કામે વળગી. ગુણસુંદરીના સીમંતમાં આમ કંઈ કંઈ નાટક થયાં. દરબારમાં અત્યારે સાહેબ આવેલા હોવાથી વિદ્યાચતુરને ઘેર ર્‌હેવા નવરાશ ન હતી અને આવે પ્રસંગે એ ચિન્તા રાખી શકત તે ચિન્તા પણ ગુણસુંદરીને રાખવી પડી. સીમન્તપ્રસંગમાં સઉ વાતમાં સઉતરફથી જસ આવ્યો અને તે સારુ પુરુષવર્ગમાં ગાનચતુરને જસ મળ્યો અને સ્ત્રીવર્ગમાં ધર્મલક્ષ્મીને જસ મળ્યો. ગુણસુંદરીને તો કોઈએ લેખામાં જ ન ગણી. છતાં પોતાને મળવાનો યશ સાસુ અને જેઠને મળ્યો અને તેથી તેમને સંતોષ વળ્યો જોઈ ગુણસુંદરી પોતાને જ યશ મળ્યો સમઝી અને રાચી.

બે માસ વધારે ગયા. સુવાવડના દિવસ સુધી ગુણસુંદરી ઘરકામમાંથી છુટી નહીં. ઘર એનું ક્‌હેવાય એટલે સઉ કોઈ એમ જાણતું કે એ કામ કરે તે તેમાં નવાઈ નહી અને સપાડું યે નહી. પોતે જેમ જેમ કામ કરવા અશક્ત થઈ અને ઘરમાં સઉનાં મન સાચવવાનું બનતું તે શરીરની સ્થિતિને લીધે ઓછું થયું તેમ તેમ સઉયે પોતપોતાનું કામ ઓછું કરવા માંડયું, અવ્યવસ્થા વધવા લાગી, અને કામમાંથી બચતો વખત કુટુંબક્લેશનાં બીજ રોપવામાં રોકાતો થયો. ગરીબ સ્વભાવની દુ:ખબા પણ બદલાઈ, તેની જ દયા જાણી તેને માત્ર રસોઈનું કામ સેંપવામાં આવ્યું હતું, પણ હવે તે ક્‌હેવા લાગી કે હું તો ઘરની ભઠિયારી છું – લચકો ધાન ખાઉછું ને ભઠિયારું કરુંછું. ધર્મલક્ષ્મીએ પણ એ વેણમાં હાજિયો ભણ્યો. આ વાત ગુણસુંદરીને ખબર પડતાં, ખેાટું લગાડયું નહી પણ ધીમે ધીમે રસોઈમાં દાખલ