પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮

બોલવાનો અધિકાર ધરાવનાર જરાશંકર રોજ ટોળ કરતો કે "આમ લોકો કરે તેમાં તેમનો દોષ નથી, કારણ ડાક્‌તરો અને વૈદ્યો એક બીજાનો તિરસ્કાર કરે એટલે લોક પણ તેમ કરવું શીખે ! વૈદો લ્હડે ત્યારે રોગીને થોડા પઈસામાં કામ કરનાર મળે – લોકોને રો એ લ્હડવાડ વધારવામાં જ સ્વાર્થ !” મલ્લરાજને મન બે સરખા હતા અને દરદ મટાડે તે ખરો એ બુદ્ધિ હતી. અકબર બાદશાહ ઘણા ધર્મવાળાને એકઠા કરતો એ દાખલો આપી મલ્લરાજ ડાક્‌તર, વૈદ્ય, હકીમ, અને હજામ સઉને એકઠા કરતો, સઉને ઉત્તેજન આપતો, અને એમ ક્‌હેતો કે એમની ચડસાચડસીમાં લોકોને સુખ થશે અને એમની સઉની હોશિયારી વધશે, પણ બે ત્રણ રાજસ્થાનમાં એવા દાખલા બન્યા હતા કે પોતાની ઈંગ્રેજી વિદ્યાનો લાભ લેઈ એજન્સીમાં સત્તા મેળવી ડાક્‌તરોએ કારભારમાં માથું ઘાલ્યું હતું અને તે જોઈ મલ્લરાજનો મીજાજ જતાં બોલતો કે “એ ડાક્‌તર ઇંગ્રેજી ભણ્યો માટે કારભાર કરશે ત્યારે તો તેમનું જોઈ કાલ સ્હવારે હજામ ઇંગ્રેજી ભણશે તો તેનો યે કેમ કારભારનો વારો નહી આવે ? – એવા ડાક્‌તરો ને હું જામો હોય તો તો રાજ્યનું ઉંધું વળે ! પોતાનું કામ મુકી બધામાં “હમબી કુચ” કરનારા માણસો ન જોઇએ – ને આ દક્ષણી ડાક્‌તરો તો એવાજ – ને દક્ષણી વગર કોઈ ડાક્‌તર નહીં ! આપણે ડાક્‌તર વગર ચલવીશું.” વિદ્યાચતુરને સ્વાભાવિક રીતે ઇંગ્રેજી વૈદ્યોઉપર પક્ષપાત હતો અને મલ્લરાજને વાંધો ન પડે તે માર્ગ શોધી ક્‌હાડી બંગાળી બાબુ ડાક્‌તરને જગા આપવામાં સાધનભૂત વિધાચતુર જ હતો. બાબુ ડાક્‌તરને બેલાવવાનો વિચાર એને સુઝયો તે મલ્લરાજને ઘણાં કારણથી ગમી ગયું. બાબુ વિદ્વાન અને પ્રવીણ હતો, પ્રમાણમાં થોડા પગારમાં આવ્યો હતો, દૂર છેટેથી સગાંવ્હાલાં ધણું ખરું આવે નહીં - એટલે એના પોતાના જ પેટને રાજયમાં સ્વાર્થ, મુંબાઈ સરકારમાં માથું ઘાલવાને એને લાગ નહી, બોલવે વાઘ પણ અંદરથી ગાય, ઇત્યાદિ અનેક કારણેને લીધે બાબુને મલ્લરાજે પસંદ કર્યો અને બાબુ આણવાનો વિચાર શોધનારને જશ આવ્યો. વિદ્યાચતુર પોતાને નોકરી અપાવનાર હતો તે જાણી તેમજ એને કેળવાયેલો સમજી બાબુ એની સાથે મિત્રતા રાખતો. વિદ્યાચતુર ગજર આગળથી ગયો તેનું કારણ તે સમજી ગયો હતો પણ ગુણસુંદરી વાસ્તે પોતાને નીચે ર્‌હેવા વધારે જરુર હતી તથા વિદ્યાચતુર એકલો પડવાથી ઉભરા ક્‌હાડી શાંત પડી પાછો આવશે જાણી બાબુ નીચે જ ખડકીમાં બેઠો.