પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩

ઘણું ખરું તે આખા ઘરનાં સઉ માણસનાં મનની સ્થિતિ જાણવામાં તે રોકાતી. માનચતુરની ઓરડીમાં એ કેટલોક વખત ગાળવા લાગી; ડોસાની ન્હાનપણથી તે અત્યાર સુધીની અથ-ઇતિ પુછતી; એ નિમિત્તે આ ઘરમાં ડોસાને શું શું ઓછું વત્તુ પડેછે, તેને શા શા સંતોષ અસંતોષ છે, વિદ્યાચતુર અને પોતાનેવીશે ડેાસો શા શા વિચાર રાખે છે, વગેરે વાતો પુછી પુછી ડોસાના મનના ઉંડા ઉભરો બહાર ક્‌હડાવતી, તેની ઈચ્છાઓ જાણી લેતી, તેના મનને સંતોષ વળાવતી, પોતાથી અને પતિથી થાય એવી બાબતમાં ડોસાની ઈચ્છા પૂર્ણ કરવા વચન આપતી, ઘરનાં બીજાં માણસઉપરનો ઉકળાટ ડેાસો ક્‌હાડે તેને શાંત પાડતી, પોતાના અને પતિના ઉપર કાંઈ અમળાટ છે કે નહી તે જાણી લેવા ચતુરાઈથી એવો પ્રયત્ન કરતી કે ડોસો જાણી જાય નહી ને પોતાનો અર્થ સિદ્ધ થાય, કાંઈ પણ અમળાટ અનુમાન સરખાથી માલમ પડે તો પોતાના ઉપર વિશ્વાસ બેસારી ખુલાસો કરતી, અને એવા એવા અનેક પ્રકારથી ગુણસુંદરીની બુદ્ધિ અને પ્રીતિએ ડોસાને વશ કરી નાંખ્યો, શાંત કરી દીધો, સંતોષ વળાવી દીધો, અને તોફાની મહાસાગરના જેવા ક્રોધને લીધે જેનો રોગ મટતાં મટતાં ઉપડતો હતો એવા ડોસાને મન અને તનની શાંતિને માર્ગે ચ્હડાવ્યો. એકલા ડોસાને નહી પણ ઘરનાં સર્વ માણસને તેણે આમ વશ કરી દીધાં. ધર્મલક્ષ્મી પૂજા કરે ત્યારે તેની પાસે બેસે, દુ:ખબા રસોઈ કરે ત્યારે તેની પાસે બેસે, ચંચંળ બપોરે નવરી પડે ત્યારે તેની સાથે બેસે, ચંડિકા એકલી પડે ત્યારે તેની સાથે બેસે, ઘરમાં સઉં ન્હાનાંમ્હોટાં છોકરાંને પણ કદી કદી પોતાની આશપાશ એકઠાં કરી તેમને કંઇ કંઇ પુછે, કંઇ કંઇ ઉપદેશ કરે, કંઇ કંઇ વિનોદ આપે, અને આવી રીતે કુટુમ્બનાં સર્વ માણસોમાં મ્હોટાં સાથે મ્હોટી અને ન્હાનાં સાથે ન્હાની થઇ જે સાધનથી ડોસાને વશ કરી લીધો તે જ સાધનથી ઘરનાં સર્વ માણસોને ગુણસુંદરીએ થોડાજ કાળમાં વશ કરી લીધાં. ગુણસુંદરી પાસે સઉ પોતપોતાની વરાળ ક્‌હાડવા લાગ્યાં, સઉ એને પોતાની માનવા લાગ્યાં, દરેક જણના ચારે હાથ એના પર થયા, એને ખુશી રાખવી એવો સઉના અંતરમાં ભાવ થયો, એનું દીલ દુખાય નહી એની સઉને થોડી ઘણી ચિંતા ર્‌‌હેવા લાગી, અને થોડોક વખત ગુણસુંદરી ઘરમાં સઉ વેરાયલા મણિકાની માળા જેવી બની ગઈ, આ સુખસ્વપ્ન ઓથાર વગરનું ન હતું, અંત વગરનું પણ ન નીવડ્યું.