પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩


“એને તે ત૫ કેમ કરીને ક્‌હેવાય ! તપેશ્વર તો જાણી જોઇને હાથે કરી તપ વેઠે છે; અને આપણે તો વેઠો કે ન વેઠો, પણ માથે પડી शिवाय नमः.”

“પણ આપણે પણ માથે પડ્યું વેઠવાના બે રસ્તા છે. ગમે તો બડબડી ઈશ્વરને માથે આરોપ દેઇ વેઠિયે ત્હોયે વેઠાય; ને ગમે તો ઈશ્વર જે કરતો હશે તે સારા સારુ જ હશે એમ જાણી વેઠિયે તે પણ વેઠાય. પણ એકનું નામ તે ન ચાલ્યે વેઠવું, અને બીજાનું નામ તે ઈશ્વરની ઇચ્છાને આનંદથી આધીન થવું એટલે આનંદથી ઈશ્વરનું કિંકરપણું કરવું અને એનું નામ પણ તપ જ સમજવું. ઘરમાં બંધાયે અત્યારે અકળાયાં છે તે ઘડીસોરાં આજ નહી તો કાલ શાંત થશે, અને તે જાણ્યા છતાં તેટલીવાર સુધી હું ને તમે પણ અમસ્તાં અકળાઇશું તેમાં કંઇ ફળ છે? તમારે જન્મારાનું દુ:ખ છે તેના આગળ તો આ કંઇ ગણતરીમાં નથી. મ્હોટાં અકળાય ત્યારે, એમ સમજવું કે “હશે ! મ્હોટાં છે – આપણે ન્હાનાં, તેણે સઉની મરજી સાચવવી જોઇયે.” ન્હાનાં વાંક કરે ત્યારે એમ જાણવું કે “હશે ! ન્હાનાં ને મ્હોટાં બેય સરખાં થશે, ત્યારે મ્હોટાનું મ્હોટાપણું શામાં?” મને તો સુખનો રસ્તો આ લાગે છે.”

“હાસ્તો. જ્યાં ત્યાં મનનું સમાધાન કરવું.”

“ના, સઉને સુખ થાય એવો રસ્તો ક્‌હાડવાનું આપણા હાથમાં હોય ત્યારે તેનો વિચાર કરવો કામનો. બાકી તો દુઃખ ગણીશું ત્હોયે દુઃખ આવશે ને સુખ ગણીશું ત્હોય આવવાનું આવશે. એમ હોય ત્યારે તો દુ:ખને પણ સુખ ગણી લેવામાં શાણપણ છે.”

સુન્દર જોઇ રહી, તેના મનમાં સમાધાન થયું, એનું પોતાનું દુ:ખ પણ નરમ પડયું, અને ગુણસુંદરીના હાથમાંનું પુસ્તક ઉઘાડી તેમાં જોતી જોતી, જરાક મ્હોં મલકાવી બોલી.

“ખરું છે. આ બધું શાણપણ મ્હારા દિયર પાસેથી આણ્યું હશે. વારુ, એમણે તમને સમજણ આપી તે આજ મ્હારે કામ લાગી. પણ એવા ભાયડા બધાંને ક્યાંથી હોય ? પાંચે આંગળિયે પરમેશ્વર પૂજ્યા હશે ત્યારે મ્હારા દિયર જેવો ભાયડો મળ્યો છે . બાકી તો આ તમારા જેઠ જીવે છે તેવા ભાયડા હોય તેના કરતાં તો મ્હારી દશા સારી છે. આ જુવો એમની મેડીમાં ભવાઇ ચાલી છે તે અહિયાં સુધી સંભળાય છે.”