પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮

એ ચારેની મેળવણી પોતાના પંથમાં કરી હતી અને તેથી સાધનહીન તેમ સાધનવાન જીવો એ પંથમાં લલચાતા અને દ્રઢ ર્‌હેતા.

વિષ્ણુદાસસ્વામી પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા, તે કાળે કાશી અને બંગાળ દેશમાં ફરી, વ્યાકરણ, સાહિત્ય, ગણિત, મીમાંસા, ન્યાય, અને વેદાંતનો અભ્યાસ કર્યો હતો. હિમાચલનાં તીર્થો અને એકાંતસ્થાનોમાં જઈ યોગસાધનામાં ચંચૂપાત કર્યો હતો. અંતે શિવ, વિષ્ણુ, અને શક્તિના ઉપાસકોમાં ભળી ભક્તિમાર્ગની ઈયત્તા પણ મેળવી હતી. સર્વ કામ કરી આ બ્રાહ્મણે ઘેર આવી ગૃહસ્થાશ્રમ આરંભ્યો, અને માતા, પિતા, ભાઈઓ, બ્હેનો, સ્ત્રીપુત્રાદિ કુટુંબ - વિસ્તારનાં સુખદુ:ખ અને દ્રવ્યની પ્રાપ્તિ તથા હાનિના ક્લેશ એ સર્વના સ્વાદ ચાખ્યા. આ સર્વ અનુભવની પરિપાક દશા જેવું થતાં તેને બહુ વાર ન લાગી. બત્રીશેક વર્ષને વયે પોતાના ગામને પાદરે એક તળાવના આરા ઉપર બેઠો બેઠો આ બ્રાહ્મણ સ્નાન સંધ્યા કરવાનું આરંભતો હતો એવામાં ત્યાં એક મ્હોટું જોગીલોકનું ટોળું આવ્યું. તેમની સાથે એને સમાગમ થયો અને એ લોકનો સહવાસી થવા તેને મન થયું. પ્રવાસના પરિચયવાળો બ્રાહ્મણ ઘેર જઈ કુટુંબને સર્વ દ્રવ્યાદિ વ્યવહારસાધનની સુપ્રત કરી આવ્યો અન સ્ત્રીને એકાંતમાં બોલાવી તેને કહ્યું: “જો હું આજ જાઉ છું તે ઘેર પાછો આવવાનો નથી. ઘરમાં સઉ ખાવ પીયો એટલી સંપત્તિ ઈશ્વરે આપી છે, મ્હારે પુત્ર છે, માબાપને માટે મ્હારો ભાઈ છે, સઉના સ્વાર્થ સારવાનું નિમિત્ત હું થઈ ચુક્યો છું, માટે હવે અત્રે ર્‌હેવાનું મ્હારે શિર બંધન નથી, માટે હું જાઉં છું.” સ્ત્રીએ કલ્પાંત કર્યો, કુટુંબમાં સર્વને ખબર પડતાં રડારોળ થઈ રહી, અને બ્રાહ્મણ સંશયતુલામાં પડી સર્વને આશ્વાસન દેઈ જ્ઞાનમાર્ગ બતાવવા લાગ્યો, અને સર્વ રાત્રિયે નિદ્રાવશ થયાં એટલે સર્વ વસ્તુનો ત્યાગ કરી, લંગોટીભર ઘરમાંથી નીકળ્યો અને જોગીયોના ટોળામાં ભળી પ્રાતઃકાળ પ્હેલાં સર્વ સાથે કેટલાક ગાઉ સુધી આનંદ કરતો નીકળી ગયો. કુટુંબને દુઃખી કર્યાનો વિચાર થતાં મને મનનું સમાધાન કર્યું: “પ્રવાસ કરવા નીકળનારની પાછળ રડારોળ તો નિર્મેલી જ છે પણ પ્રવાસી પાછો આવવાની આશાથી સઉ વ્હેલાં શાંત થાય છે. આ જરા મોડાં શાંત થશે. મ્હારે મરણકાળે તેમને શોક થાત તેનાથી આ શોક ઘણો ઓછો થશે અને મ્હારું મરણ તેમને જાણવાનું નથી એટલે એ પ્રસંગના મહાશોકમાંથી હું તેમને ઉગારું છું. વગર વૈધવ્યે વૈધવ્યને પ્રાપ્ત થનારી મ્હારી સ્ત્રીને માથે દીર્ઘકાળનું દુઃખ તો ર્‌હેશે,”– આ