પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથી. આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચારઆચાર, અને આપણા આધિ-ઉપાધિઃ એ સર્વનાં વર્તમાન ચિત્ર વચ્ચે ઉભાં રહીને, આપણી ભાવી પ્રજાનું એ જ વિષયોના રંગોથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાને એક વિશિષ્ટ ઉદ્દેશ છે. કલ્પિત ચિત્ર પ્રમાણે જ ભવિષ્ય બંધાશે એવો સિદ્ધાંત મનુષ્યથી બંધાય એમ નથી. એ ચિત્ર તો માત્ર, વ્યાપારી ભવિષ્ય લાભહાનિની વ્યર્થાવ્યર્થ કલ્પના કરે તેવી જ કલ્પના છે, ચિત્રની એક છાયામાંથી બીજી છાયામાં થતી સંક્રાન્તિ ક્રમે ક્રમે પરખી ક્‌હાડવી અને તેની શુદ્ધિ-અશુદ્ધિની કલ્પના કરવી એ વિદ્વાન વાચકોનું કર્તવ્ય છે. આ ચિત્રલેખનો ઉપક્રમ તો એ છે કે સર્વ છાયાઓના સંક્રમ નશ્વર ગણી તેમની મેળવણી કરી નાંખવી, સર્વ છાયાઓનું સહચરિત પ્રતિબિમ્બ એક આદર્શમાં પાડવું, અને સંક્રમને અંતે ત્રિવિક્રમપેઠે અવતરનાર અને વિક્રમ પામનાર ભાવી યુગની જન્મકુંડળી જેવી છાયા આલેખવી.

આ કાર્યમાં, ચિત્રને અંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદ્દેશ એક એવો છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડુબતાં અને તરતાં આર્ય - આર્યા - ગણનાં હૃદયોને કોઈક જાતનું દેશકાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું. એ ઉચ્ચગ્રાહ કોઈ ભૂમિકાઓમાં થાય એમ છે ? કુટુંબજાળોની ગાંઠોમાં ગુંચવાયલા ગંઠાઈ ગયેલા ઘેરઘેર અનુભવાતા પણ પરસ્પરથી ગુપ્ત ગૃહસંસારમાં, મનસ્તાપથી એકાંતમાં પીડાતાં ન્હાની મ્હોટી વ્યક્તિયોના મિત્રશુન્ય હૃદયોમાં, આત્મસત્વના અને લોકહિતના ઉચ્ચાભિલાષી પણ સાધનહીન જનોના – સમુદ્રતરંગના જેવા – ઉછાળાઓમાં, અંતર્વ્યાધિથી પીડાતાં દેશીરાજ્યોમાં, વિકસતા અંતર્ગર્ભને સંકોચાવતાં – પણ નવીન પ્રાણનું આધાન કરાવવા સમર્થ – ઈંગ્રેજી સત્તારૂપ પક્ષિણીના ભાર નીચે સેવાતા સુવર્ણ–અંડમાં હિરણ્યગર્ભપેઠે બંધાતા (દેશી રાજાઓ, પ્રધાનો, વ્યાપારીઓ, કૃષી–આદિ કલાના પ્રવીણ વર્ગો, દેશવત્સલ વિદ્વાનો આદિ અવયવવાળા) ગર્ભદેહને – સૂક્ષ્મ આત્મસ્વરૂપના બળથી થતા વિકાસકાળે - થતા ઉલ્લાસોમાં અને અંડભિત્તિના બળથી એ જ ગર્ભને થતા સંકોચની વેળાએ થતા અવસાદોમાં, તેમ જ એ વિકાસ અને સંકોચની પરસ્પર સંઘટ્ટક મન્થનક્રિયાઓને કાળે થતી પ્રસવવેદનામાં, આર્યાવર્ત્તની પ્રાચીન અને સાત્વિક વિદ્યાઓ તથા યુરોપની નવીન અને રાજસી વિદ્યાઓના વિસંવાદી સંગ્રહ-પ્રદર્શનમાં, અને આ દેશના અનુભવને અનુકૂળ થતાં કાળક્રમે રૂઢ થયલા – રૂઢિરૂપ