પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭


વિષ્ણુદાસના મુખ ઉપર કાંઈક ખેદ જણાયો, તે જણાતાં સરસ્વતીચંદ્રને દશ ગણો ખેદ થયો, અને આવા સુજન પુરુષને ખેદ થવાનું પોતે સાધન થયો તે અનિષ્ટનું નિવારણ કરવાનો માર્ગ મનમાં શોધવા લાગ્યો. “ સ્વામીજી, આપને લેશ પણ ખેદનું હું સાધન થયો હઉં તો ક્ષમા કરજો. આપના રહસ્ય-મંત્રનું શ્રવણ આજે કર્યું, પણ મનન કર્યા વિના ઉત્તર શી રીતે આપું? એ રહસ્યનું મનન કરી, આપને અનુવાદ કરી બતાવું, અને મને કાંઈ શંકા ઉત્પન્ન થાય તેનું આપ સમાધાન કરો તે સર્વ વિધિવડે મ્હારી બુદ્ધિ પરિપાક પામે ત્યાં સુધી અનુકૂળ અવકાશ મને મળે ત્યાં સુધી આપને નિરાશ થવાનું કારણ નથી.”

વિષ્ણુદાસ પ્રસન્ન થયો. મંદિરમાં ઘંટાનાદ થતાં દેવને નૈવેદ્ય- સમય આવ્યો સમજાતાં સર્વ યોગીયોને વિષ્ણુદાસે બ્હાર મોકલ્યા, અને એકલો પડતાં વિશ્રમ્ભથી વાર્તા કરવા માંડી.

“નવીનચંદ્ર, હું પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતો અને તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણને સ્વાભાવિક રીતે અલખ-મત સ્વીકારતાં વિચાર કરવો પડે તે હું સમજી શકું છું. પરન્તુ મ્હારે આ સર્વ જટાધર મંડળને વશ રાખવું પડે છે અને તેઓ મ્હારી આજ્ઞા પાળે છે ખરા, છતાં કીયે પ્રસંગે મ્હારી આજ્ઞાને પણ તેમનો ઉગ્ર સ્વભાવ નહી માને તે હું સમજું છું અને એ પ્રસંગ જ ન આવે તેની સંભાળ રાખું છું. કેટલાંક કારણથી મ્હારો તમારાપર પક્ષપાત છે તે આ મંડળ જાણે છે અને તમે તે પક્ષપાતને યોગ્ય નથી એવું તેમના મનમાં આવ્યું તો ગમે તો મ્હારા ઉપર અશ્રદ્ધા રાખશે અને ગમે તો તમને પીડશે. એમના વિચાર પ્રમાણે અને આ મઠના સંપ્રદાય પ્રમાણે જે કોઈ અલખ જગાવે નહી તેને આ મઠમાં બહુ રહેવાનો અધિકાર નથી. આ હઠવિચાર ઉપર મને તિરસ્કાર છે, પણ તે હાલ નકામો છે. તમે અત્રેથી જશો તો મને અતિશય ખેદ થશે માટે મ્હારી વિજ્ઞપ્તિ સ્વીકારવાની ના પાડશે નહી.”

“કેવે પ્રકારે ?” સરસ્વતીચંદ્રે આતુરતાથી પુછયું.

“સંન્યસ્ત લેનાર ગૃહસ્થાશ્રમમાં પાછો જઈ શકતો નથી, પણ અમારો ભેખ લેનાર પાછો ગૃહસ્થ થઈ શકે છે. આ વિભૂતિ આખે શરીરે ધારણ કરવી એવો કાંઈ મેળ નથી; એક વેળા મસ્તકપર વિભૂતિ ધરવાથી ચાલે છે. અમારી વિભૂતિમાં ગોપીચંદનનું મિશ્રણ છે,