પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮

અમારા યદુનંદનને તમે નમશો નહી તે ચાલશે; તેમનો તિરસ્કાર ન થાય તે જોજો, છે એવાં ને એવાં વસ્ત્ર માત્ર ભગવાં કરી ધારશો તો બસ છે. બાકી સંપ્રદાય ગમે તે રાખજો; અલખનું નામ પૂજવું; અને આ મઠના ચાર અધિકારમાંથી ગમે તે સ્વીકારજો. ઉત્તમાધિકારમાં તમારો મત ગમે તે હશે ત્હોય ચાલશે. આટલું કામ કરી તમે પરણશો ત્હોયે આ મઠમાં બાધ નથી. પાસેના ઉપમઠમાં વિવાહિત વેરાગીયો અને વેરાગણો વસે છે, તે આ મઠનાં આશ્રિત છે, યદુનંદનનો પ્રસાદ લેવા અમારી સાથે અત્રે આવીને ભોજન કરે છે, અને તમને સંસારવાસના હશે ને ત્યાં ર્‌હેશો તોપણ ચાલશે. માટે હાલમાં આટલી વિજ્ઞપ્તિ સ્વીકારજો. અંતે તમારે આ સ્થાન છોડી તમારે ઘેર જઈ સંસાર આરંભવો હોય ત્યારે મને એકાંતમાં ક્‌હેજો. ત્યાંસુધી આટલી વિજ્ઞપ્તિ સ્વીકારજો - અલખબોધની દીક્ષા - શ્રવણદ્વારા તો તમારે લેવી પડશે - આજ પ્રસાદકાળે. પછી અલખ સ્વીકાર કરવાને મનનપર્યંત અવધિ છે.”

“ જો આટલાથી તમારું ચિત્ત પ્રસન્ન થતું હોય તો મને જીવનદાન દેનારનું એટલું વચન હું પાળીશ. માત્ર અલખવાદ સ્વીકારવો એ મ્હારા મતવિરુદ્ધ છે."

“એટલું નભાવી લેઈશું. તમને મનન કરવા અવકાશ આપેલો છે ને એવો અવકાશ અમે એક વર્ષાવધિ આપીયે છીયે.”

વિષ્ણુદાસને આટલાથી સંતોષ થયો. અતિથિને એકાંતમાં મુકી મંદિરમાં ગયો. જતાં ક્‌હેતો ગયો: “ભોજન પછી અમે સર્વ મંડળ ભિક્ષાપર્યટન કરવા બ્હાર જઈશું. થોડાક જોગી અત્રે ર્‌હેશે. તેની સાથે તમે પણ ર્‌હેજો. મરજી પડે તો કોઈને લેઈ સૂર્ય નમે ત્યારે નીચે સુરગ્રામ જોવા જજો. અમારા રહસ્યમંત્રનું વિવરણ છે તે અલખપુરી તમને આપી જશે.”

એકલો પડેલો સરસ્વતીચંદ્ર વિચારમાં પડ્યો, હસવા લાગ્યો, ઉભો થયો, ચારે પાસ ફરવા લાગ્યો; અંતે એક મહાન શિલા ઉપર વડની છાયા નીચે સુતો. પળવાર આંખ ઉઘાડી રહી એટલામાં ચંદ્રકાંત સાંભર્યો અને તેને પત્ર લખવાનો અને સુરગ્રામ જઈ તે ટપાલમાં નાંખવાનો વિચાર કર્યો. તે વિચાર પુરો થયો એટલે અલખના રહસ્યમંત્ર સાંભર્યા. આ મંત્ર બે ત્રણ વાર સ્મરી સ્મરણમાં ઉતાર્યા, રાત્રિયે તેને વિચાર કરી પ્રાતઃકાળે સ્વામીને એ શ્લોકના અર્થને અનુવાદ કરવા અને તે ઉપર પોતાનો અભિપ્રાય જણાવવા સંક૯પ કર્યો.