પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨

નથી. બાકી દોસ્તીનો વાંધો નથી ને કંપની સરકાર ઉપર અમારે મમતા છે. તે મમતા રાખવી કે ભાંગવી તે તમારી મરજીની વાત છે."

આણી પાસથી નાગરાજે બ્રેવ સાહેબને આ ઉત્તર પોતાના વિશ્વાસુ પુરુષો સાથે મોકલ્યો, અને આ વ્યવહારનિમિત્તે મળેલા અવકાશનો ઉપયોગ કરી લેવાના હેતુથી પોતાના ન્હાના પુત્ર મલ્લરાજને બોલાવી આજ્ઞા આપી કે “આપણી ત્રણે પાસ રાજાઓ છે તેમને જઈને મળો અને કહો કે બાપુ, હજી ચેતવું હોય તો ચેતો. ત્રણ પાડા ભેળા થશે તો શીંગાળા છે તે સાવજને ભારે પડશે ને નોખા હશે તો એકે એકે બધાને સાવજ ખાશે. જાંગલાનું ને નાગરાજનું શું થાય છે તે હાલ તો તમારો જોવાનો ખેલ છે પણ આ ખેલ પુરો થશે એટલે તમારો ખેલ પણ એવો ને એવો થવાનો તે તમારા જેવી અકલવાળા બીજા જોશે ને તેમનો ખેલ ત્રીજા જોશે. માટે વેળાસર ચેતવું હોય તો તમે જાણો. અમે કંઈ અમારે મરવાના ડરથી બોલાવતા નથી, પણ વાણીયાના દીકરા જમે ઉધારનું સમજે એટલું આપણે ગાદીના ધણી નહીં સમજીયે તો સમજનાર જાંગલાઓને ગાદી વરે એ જુગતું છે. ગાદી તો ઈન્દ્રાણી જેવી છે ને જીતે તેને વરે. મ્હારા તમારા મ્હોટેરાઓને મેળવતાં આવડી તો તેમને વરી. આપણને મેળવવાનું તો રહ્યું પણ સાચવતાં એ નહી આવડે તો જંગલાઓ બળે ને કળે તેના પર અલાખો કરે તે બરોબર છે. જો સાચવવી હોય તો અમારી વાત સાંભળજો. ન સાચવવી હોય તો મરજી.” મલરાજ આ આજ્ઞાનો અમલ કરવા ગયો, પાડોશી રાજાઓમાં ઈર્ષ્યા અને મત્સર હોવા છતાં નાગરાજનાં વાક્યબાણથી તેમની જડતા વીંધાઈ. નાગરાજના પૂર્વયાયી રાજાઓએ ઘણીવાર આવી જ કળાથી ચોપાસના રાજાઓને એકઠા કરી તેમનું અને પોતાનું રક્ષણ કર્યું હતું અને આજ પણ એ જ સંપ્રદાયના આચારથી સઉ રાજાઓ એકઠા થયા, અને મલ્લ્લરાજનો ફેરો સર્વ ઠેકાણે સફળ થયો.

કર્નલ બ્રેવને નાગરાજનો ઉત્તર મળ્યો તે તેણે ફરી ફરી વાંચ્યો અને તે વધારે વધારે પ્રસન્ન થયો. પણ એના ઉપરી અધિકારીઓ એના જેવા ઉદાર ન હતા અને પેશવાઈને નામે ચોથ પણ ન મળે અથવા કાંઈ લાભકારક સન્ધિ ન થાય અને માત્ર લુખી મિત્રતા કરી પાછા જવું એ તો મૂર્ખતા ગણાય અને અનુમત પણ ન થાય એમ હતું. આવા શૂર અને ઉદ્રિક્ત રાજાની મિત્રતામાં જ લાભ છે એવો બ્રેવનો પોતાનો અભિપ્રાય ઉપરી ઈંગ્રેજો સમજે એમ ન હતું. તેમની ઈચ્છાનું