પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૦.

મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારના બીજ.

રાણીદ્વારા કરેલો પ્રયત્ન નિષ્ફળ જતાં સામંતે જરાશંકર દ્વારા પ્રયત્ન કર્યો. એક દિવસ જરાશંકરે મલ્લરાજ પાસે વાત ક્‌હાડી. “મહારાજ, સામંતને આપના ઉપર બહુ ખોટું લાગ્યું જણાય છે.

મલ્લરાજ – “શી વાતમાં ?”

જરાશંકર – “આપને પુનર્લગ્ન કરવા એણે સંદેશો ક્‌હાવ્યો હશે તેનો આપે બહુ તિરસ્કાર કર્યો ક્‌હેવાય છે.”

મલ્લરાજ – “એ જ કે બીજું કાંઈ! ત્હારી સાથે કોણે ક્‌હાવ્યું?”

જરાશંકર – “સામંતે જ વાત કરી.”

મલ્લરાજ – “કોની સાથે એણે ક્‌હાવ્યું હતું તે કહ્યું ?”

જરાશંકર – “રાણીજી સાથે.”

મલ્લરાજ – “એવી મૂર્ખતા કરે તેને તિરસ્કાર નહી તો શું ઘટે ?”

જરાશંકર – “રાણીજીની સંમતિ દર્શાવવા એમ કર્યું હતું.”

મલ્લરાજ – “સામંત મને પરણાવવા ઈચ્છે છે તે રાજ્ય-અર્થે કે મ્હારા સંસારને અર્થે ? જો મને ફરી એવા સંસારમાં નાંખવાની ઈચ્છાથી સામંતે આ રચના કરી હોય તો એ મ્હારા અતિશય તિરસ્કારને પાત્ર છે. રત્નગરીના રાજાઓ પોતાના સંસારને અર્થે કાંઈ પણ કરતા નથી, અને મ્હારા રાજ્યનો વારસ મને સંસારની વાસનાઓનો પાત્ર ગણે તેમાં એની બુદ્ધિ, અને મ્હારે વીશે એનો અભિપ્રાય, ઉભય મને દુઃખનાં કારણ થાય છે. જો એની સૂચના હું સ્વીકારું અને એને તિરસ્કાર ન કરું તો હું અને એ ઉભય રાજપદને અયોગ્ય છીએ, અને એ તિરસ્કાર કરીને જ હું એને યોગ્ય થવાને માર્ગ દેખાડું છું, વળી રાણીનું ગળું કાપવાની વાત રાણી પાસે જ કરાવવા પ્રયત્ન કર્યો એ મ્હારા તિરસ્કારનું બીજું કારણ.”

જરાશંકર - “ માહારાજ, એણે રાજ્ય-અર્થે આ સૂચના કરેલી છે, અને મને લાગે છે કે ભાયાતોની સહીઓ એને વારસ ગણી એની પાસે મંગાવી ને બનવાથી એના મનમાં આ તરંગ ઉઠ્યો હશે.”

મલ્લરાજ - ( વિચાર કરી ) “ હા ! હવે સમજાયું, ત્હારું ધારવું