પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩

મીંચાતાં મીંચાતાં રજપુતાણીના ઓઠ આનંદથી ઉઘડતા લાગ્યા, તે ઉઘડતાં ઉઘડતાં તેમાંથી પવન નીકળ્યો, તે પવનમાં ઈશ્વરનું નામ સુણાતું હોય એમ પાસે બેઠેલાંને લાગ્યું, અને તે નામ સાથે રાજમાતાના પ્રાણ પ્રાણત્વના ત્યાગી થઈ ગયા.

આ દિવસથી મલ્લરાજ મરનાર જયેષ્ઠ બાંધવની વિધવાને “માતાજી” કહી બોલાવવા લાગ્યો, અને પોતાની રાણીને તેણે આજ્ઞા કરી કે “માતાજીની” સેવા પ્રીતિ અને માન રાખી, કરવી. સગર્ભા રાણીને આજથી “માતાજી” ને મંદિર મોકલવાનો ઉત્સાહી મલ્લરાજ મેનારાણીને મંદિર ચાલ્યો. “આજથી મેનારાણીના ગર્ભઉપર માતાજીની અમીદૃષ્ટિથી મ્હારા શૂર ભાઈ હસ્તિદંતની છાયા પડશે !” પાટવી કુમારે જે સ્થાન સાચવ્યું હતું તે સ્મરણમાં આવતાં, તેના ગુણ સાંભરતાં, મલ્લરાજની ક્ષત્રિય આંખમાંથી પણ એકાંત અશ્રુધારા ચાલી અને મરેલા ભાઈનું અનુશોચન આટલે વર્ષે જાગ્યું. મુખ દુ:ખી થયું, અંતે ભાઈનો શોક તેમ વંશવૃદ્ધિના વિચારનો આનંદ, ઉભયનો ત્યાગ કરી – ન રોતો, ન હસતો, રાજા રાણીને દ્વારે આવ્યો.

દ્વાર વાસેલાં હતાં, અંતર્થી ગોષ્ઠીવિનોદનો સ્વર આવતો હતો. રાજા તે સાંભળતો દ્વાર બ્હાર થંભ્યો. અંતર્ માતાજીની દાસી રાણી સાથે વાત કરતી રાજાએ એળખી, એ દાસીના સ્વભાવ ઉપરથી માતાજીએ એનું નામ મધુમક્ષિકા પાડ્યું હતું - તેને કિંકરવર્ગ મધમાખ કહી બોલાવતો હતો.

મધુમક્ષિકા રાણીને ક્‌હેતી હતીઃ “રાણીસાહેબ, આપે હવે મહારાજ સાથે દીર્ઘકાળનું રુસણું લેવું.”

રાણી – “પણ મને તે આવડતું નથી.”

મધુ૦ – “રાધાજી હરિ ઉપર રીસાયાં હતાં; તે એમ કહીને કે

'*[૧]"હાવાં નહી બોલું હરિ સાથે રે
"“મને ચંદ્રમુખી કહી બોલાવી !”
આપે પણ એમ જ કાંઈ કરવું.”

મલ્લરાજ દ્વાર ઉઘાડી અંતર્ ગયો. રાણી પલંગ ઉપર અને મધુમક્ષિકા સામી જમીન ઉપર, એમ બે બેઠાં હતાં તે ઉઠ્યાં.

મલ્લરાજ – “કેમ, મધુમક્ષિકા, મ્હારા ઘરમાં કલહ ઘાલે છે કે ?”


  1. * કોઈ કવિની રચેલી કડી છે !