પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯

“ મહારાજ, માતાજીએ આ રાજવૃક્ષની સ્તનંધય[૧] અવસ્થામાં તેના કોમળ દેહનું પોષણ કેવી રીતે કરેલું છે તે આપને જણાવવા ઈચ્છે છે કે તે જ ન્યાયે હવેની બાલ્યાવસ્થામાં તેનો [૨]વૃદ્ધિગ્રાહ કરવામાં આવે. આ [૩]સિંહશાવકને સિંહી માતાનું જ [૪]સ્તન્ય પાવામાં આવેલું છે અને ઈતર વર્ણના હલકા દેહના [૫]ક્ષીરનો સ્વાદ આપી એના તેજને ભ્રષ્ટ કર્યું નથી. મહારાજ, સિંહનું એક વાર ઉદર તજ્યું તેમ હવે સ્તન્ય તજી આપની પાસે બાળક આવે છે. સિંહના પૌરુષતેજનું બીજ આ બાળકમાં છે તેને વધારી, પોષી, આપના તેજથી અધિક તેજનું ધામ બનાવી દેવું એ હવે આપનું કર્તવ્ય છે તેમાં કોઈ રીતે ન્યૂનતા ન રાખવી એવી માતાજી આપને વિજ્ઞાપન કરે છે.”

“મહારાજ, સંસારમાં પડેલા માનવીને માથે હર્ષશોકના અનેક પ્રસંગો લખેલા હોય છે, તેમાં શોકચક્ર અનિવાર્ય છે અને તેની સાથે પ્રબળ યુદ્ધ કરવામાં યુવાવસ્થાનો ઉત્કર્ષ છે. મહારાજ, કાલના દિવસે ઉદ્યોગનો ઉત્કર્ષ અનુભવવાના ઉત્સાહીએ આજની રાત્રિયે અસ્વપ્ન[૬] નિદ્રા લેવા પ્રયત્ન કરવો જોઈએ, તેમ યૌવનમાં શોકચક્રની સાથે સફલ યુદ્ધ કરવા જેને તત્પર કરવાનું આપ ધારો છો તે રત્નને બાલ્યાવસ્થામાં આનંદવિના બીજા કોઈ મનોવિકારનું દર્શન કરાવશો માં. મહારાજ, આ બાળકના ક્ષત્રિય નેત્રમાં અશ્રુનું બિન્દુ સરખું આવે નહી અને એના મન્દિરમાં આમ સ્ત્રીજાતિની પેઠે તે રોવાનો પરિચિત થાય નહીં તે વીશે માતાજીએ આજસુધી અહોનિશ ચિંતા રાખી છે અને રાણીજીની તથા [૭]ધાત્રી-મંડળ પાસે પણ એ જ ચિંતા રખાવી છે. મહારાજ, એથી અધિક ચિંતા રાખી, રખાવી, એ બાલ–વૃક્ષના મુખ-પલ્લવને કરમાવા દેશો નહી. મહારાજ, ચિંતાના સ્વપ્ન વગરનો આનંદ એ બાલકનું ચક્રવર્તી રાજ્ય છે તે રાજ્યની આણ તોડશો નહી.”

“મહારાજ, આ બાલક-ઉદ્યાનના[૮] માળીનો સુંદર અધિકાર માતાજીએ પોતાના અને રાણીજીના હાથમાં આજ સુધી રાખ્યો હતો. અનેક માળીઓના હાથમાં રહેલો ઉદ્યાન બગડે છે, અને અનેક મનુષ્યોની આજ્ઞાનું ધારણ કરનાર બાળક કોઈની આજ્ઞા ધારી શકતું નથી અને


  1. ૧.ધાવનાર.
  2. ૨. વૃદ્ધિનું ગ્રહણ, Development.
  3. ૩. સિંહનું બચ્ચું
  4. ૪. ધાવણ.
  5. ૫. દુધનો.
  6. ૬. સ્વપ્નરહિત.
  7. ૭. દાઈ, આયા.
  8. ૮. બાળકરુપી વાડી-બાગ