પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨


મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.”

મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા[૧] બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા ! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.”

મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.”

મધુ – “કુમાર, આપ જાતે જ મને ક્‌હાડી મુકો તો હું તરત જાઉં.”

મણિરાજ - “હું કાંઈ તને ક્‌હાડી મુકતો નથી. ત્હારા મધુપુડામાં ભરાઈ જા ને ગણગણીશ નહી એટલે થયું.”

મધુ૦ – “લ્યો, ત્યારે હું આ છાની રહી.”

મણિરાજ -“હવે ઠીક.”

સઉ બોલતાં બંધ રહ્યાં. કુમાર મધુમક્ષિકા ભણી જોઈ રહ્યો, ત્હોયે એ બોલી નહી.

મણિરાજ – “મધમાખ, બોલતી કેમ નથી ?”

મધુમક્ષિકા બોલી નહી. હસતી હસતી જોઈ રહી.

મણિરાજ – “કેમ બોલતી નથી ?”

મલ્લરાજ – “તમે બોલવાની ના કહી તે શી રીતે બોલે?”

મણિરાજ – “હું બોલાવું ત્યારે તો બોલે.”

મલ્લરાજ – “તમારે એની પાસે શું બોલાવવું છે?”

મણિરાજ – “માતાજીએ ક્‌હાવેલું બધું એણે આપને કહ્યું, પણ કાલ રાત્રે રાણીજીએ ને મધમાખે પોતે મને કહેલું હતું તે આજ કહેતી નથી.”

મલ્લરાજ – “શું કહ્યું હતું ?”

મણિરાજ – “એ વાત મધમાખ કહે.”


  1. સહી જવાની અશક્તિ