પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯


"निवातपद्मस्तिमितेन चक्षुषा ।
"नृपस्य कान्तं पिबतः सुताननम् ॥
"महोदधेः पूर इवेन्दुदर्शनात् ।
"गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥[૧]

“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે."

જરાશંકરને પોતાને પુત્ર ન હતો તે સાંભરતાં કાંઈક ખેદ થયો. પુત્રસ્થાને તેનો ભાણેજ વિદ્યાચતુર હતો તે ગુણવાન વિદ્વાન હતો – તેનો યોગ મણિરાજની સાથે થાય તે વિચાર ઉત્પન્ન થતાં એ શોક ભુલી ગયો ને આનંદચિંતામાં પડ્યો. પણ જાતે પોતાના ભાણેજની વાત શી રીતે ક્‌હાડવી ? મધુમક્ષિકાના ઉપદેશનો પ્રસંગ ક્‌હાડી આ વાતનો પ્રસંગ ક્‌હાડવા તેણે વિચાર કર્યો – પણ વિચાર થતાં માંડી વાળ્યો. મનમાં તે બોલ્યોઃ– “ધર્મશાસ્ત્ર પ્રમાણે ધર્મ પાળનાર મહારાજની સેવામાં રહી સ્વાર્થને વિચારે સૂચના કરું તો હું રાજ્યદ્રોહી થાઉં – હું એ વિચાર નહી કરું.”

“મહારાજને વિદ્યાચતુરનો અર્થ હશે ત્યારે જ આ યોગ કરીશ; એ વિના નહીં.”

મલ્લરાજ - “જરાશંકર, માતાજીની આજ્ઞા અને મધુમક્ષિકાનો સુબોધ, એ ઉભયનું મર્મ ભુલવાનું નથી. જે પિતાને પુત્ર, તેને શિર નવા ધર્મની ચિંતા છે. કુમારને શી રીતે રાજતત્વમાં સિદ્ધ કરવો એ ચિંતા મ્હારા શિરને ભમાવે છે.”

જરાશંકર – “મહારાજ, રાજપુત્રોને વિદ્યા આપવાના માર્ગ આપણા શાસ્ત્રમાં અને આપના કુળમાં પરિચિત છે.”

મલ્લરાજ - “હા. પણ કાળવિવર્તનો વિચાર ભુલવો નહી એ પણ શાસ્ત્રનું વચન છે તે સાધવાનું છે.”

જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.”

મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ


  1. રઘુવંશઃ–“ પવન વિનાના કમળ જેવા નિશ્ચલ નેત્રવડે રાજાએ પુત્રનું કાન્તવદન પીવા માંડયું ત્યારે તેનો મહાન હર્ષ પોતાનામાં રહી ન શકતાં બ્હાર નીકળવા લાગ્યો - ચંદ્રદર્શનથી મહાસાગરનું પૂર નીકળે તેમ.”