પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩

નથી અને ક્ષાત્ર ઉદ્રેકના ભરેલા રાજ આજ્ઞાનો ભંગ વેઠતા નથી, એવું અનુભવી પુરુષનું વચન છેઃ

"दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः ।
"नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥"[૧]

“ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.”

મલ્લરાજ – “એ શ્લોક ત્હેં મને ઘણીવાર કહેલો છે. એ આજ્ઞાભંગ થવા ન દેવો એ સાર્વભૌમ રાજાનું કામ. આપણે માથે સાર્વભૌમ બીજો થયો તેની આજ્ઞા ઉપાડવાનો પ્રસંગ ત્હારા અભિપ્રાયથી મ્હેં સ્વીકાર્યો છે તે આજ્ઞાભંગનું અસહન પણ સાર્વભૌમ પદને મ્હેં સોંપ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ ત્હારા વિના બીજું કોણ કરાવે ?”

જરાશંકર – “ક્ષમા કરો, મહારાજ, ક્ષમા કરો. આપનો સેવક આપની આજ્ઞાનો ભંગ કરી આપને ઓછું આણવા જેવું સ્મરણ નહીં કરાવે.”

મલ્લરાજ – “ત્યારે મ્હારી આજ્ઞા સ્વીકાર. જરાશંકર, મ્હારા કુમારને ઘરકુકડી વિદ્યાનો ભોગી જોઈ સંતોષ નહી પામું, જે ઈંગ્રેજનો આસંગ ત્હેં આ રાજ્યને પ્રાપ્ત કરાવ્યો છે તે ઇંગ્રેજની વિદ્યા તેમને દેશ જવાનાં કાળાં પાણી જેવી હોય તોપણ તે પાણીપર આ કુમારને મોકલ. એ પાણીને પેલે પાર ઉતરી મ્હારો કુમાર આ ઈંગ્રેજોની લંકાના મર્મભાગમાં પેંસશે અને તેમ કરતાં - ત્યાં જતાં – એ કુમાર ડુબવાનો હો તો ડુબે ને તરવાનો હો તો તરે. ન ડુબે તેની સાવચેતી રાખીશું એમ કરતાં તે ડુબે તો તેનું ભય રત્નગરીના રાજાઓના કુળધર્મમાં નથી. શત્રુઓના ગુરુ પાસેથી મ્હારો મણિરાજ તેમની વિદ્યા શીખશે.”

જરાશંકર – “મહારાજ, હું હાર્યો. આપની આજ્ઞા સિદ્ધ કરવી અને આપની ઈચ્છેલી સાવચેતી રાખવી એ ઉભય કામ સિદ્ધ કરવાનું સાધન શોધવા હું પ્રયત્ન કરીશ.”

મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.”


  1. મુદ્રારાક્ષસ