પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રર૬

“ તેમને રાજા હશે? ”

"હા."

“તે રાજાને કુમાર હશે ?”

“હા.”

“સાહેબ અંહી આવે છે તેમ આપણા લોક ત્યાં જતા હશે ?”

"કોઈક.”

“ત્યારે સાહેબ લોક એટલા બધા અંહી શું કરવા આવતા હશે?”

“આ દેશમાં રાજ્ય કરવા.”

“ત્યારે મહારાજને કહોને કે આપણે પણ એ દેશમાં જઈ થોડુંક રાજ્ય કરીયે.”

“એ તો આપ ક્‌હો ત્યારે.”

મલ્લરાજ આ વાર્તા રસથી સાંભળતો હતો તેના ભણી ફરી મણિરાજ પિતા પાસે આવ્યો અને પાછળ વિદ્યાચતુર પણ આવ્યો.

મણિરાજ છેક પાસે આવી બોલ્યોઃ “મહારાજ, આપણે તો આ સાહેબલોકના દેશમાં ચાલો ને રાજ્ય કરો – અંહીયાં તો કાંઈ ગમતું નથી.”

મલ્લરાજ અંતમાં નિઃશ્વાસ મુકી બહારથી હસી બોલ્યોઃ “કુમાર, હું તો ઘરડો થઈ ગયો. હવે તો તમે મ્હોટા થાવ ત્યારે કાંઈ કરજો. "વિદ્યાચતુર !–” નેત્ર ભીનાં કરી મલ્લરાજ બોલ્યો-“રજપુતાઈ રંડાઈ! રજપુતના દીકરાઓના અભિલાષ, એને રંક રાંડીરાંડોના દીકરાઓના અભિલાષ, તે હવે સરખા સમજવા.”

મલ્લરાજે કુમારને ખોળામાં લીધો અને સામેના સમુદ્ર પર દૃષ્ટિ : કરી ઓઠ પીસવા માંડ્યા – ઉભો થઈ તરવાર ઉપર હાથ મુકી, રાજા પર્વતના તટ આગળ આવ્યો, વિચારમાં પડી ગયો, અને અંતે ઓઠ કરડી, ભ્રમર ચ્હડાવી, વિદ્યાચતુરને સ્થિર ગંભીર સ્વરથી આજ્ઞા કરવા લાગ્યો. “વિદ્યાચતુર, હવેથી તમારે એક કોરું પુસ્તક રાખવું અને હું જે જે વાતો કહું તે તે તેમાં લખી રાખવી, અને મણિરાજ યોગ્ય વયનો થાય ત્યારે તે વાંચે અને હું જીવતો હઉં કે ન હઉં તો પણ તે વાતો તેના હૃદયમાં ઉતરે એવી રીતે એ પુસ્તક લખવું અને રાખવું. બીજું રત્નનગરી પાછા જઈએ તે દિવસે મને યાદ આપવું એટલે હું અમુક સમય ઠરાવીશ તે સમયે હું, મ્હારા ભાયાતો, મ્હારા અને તેમના કુમારો, અને જરાશંકર - એટલા બેસીશું અને