પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩

બુદ્ધિ આગળ ખાચર હાર્યો ખરો. એજંટ, ખાચર, અને મુળુ, એ ત્રણ અને ચોથો મલ્લરાજ – એ ચાર જણ વચ્ચે રમાયેલા ચોપટમાં મલ્લરાજનાં સોકટાં પ્રથમ પાકી ગયાં. એ બાજીમાં એનો ભીરુ બનેલો બાલક મુળુ પણ મનમાં ફુલાયો. પ્રધાનપક્ષની હાર હવે સિદ્ધ થયા જેવી એની દૃષ્ટિએ પડી. પિતા અને મલ્લરાજ ઉપર આ વાતની ઉઘરાણી કરવાનો એણે હવે પોતાનો અધિકાર સિદ્ધ ગણ્યો.

સામંતને જે પ્રસંગનું ભય હતું તે આગળ આવ્યું. મલ્લરાજ મુળુની સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરવા તત્પર હતો, એ ઈચ્છાઓથી પણ અધિક કૃપા કરવા અભિલાષી હતો, પણ એ તત્પરતા અને અભિલાષના કરતાં પ્રધાનનું રક્ષણ કરવા એનો આગ્રહ અને નિશ્ચય અતિશય અધિક હતો. સામંતને આ રાજનીતિનો જાતઅનુભવ હતો, અને મન સ્વસ્થ થતાં પોતાને થયેલી શિક્ષા તેમ આ રાજનીતિ ઉભયને એણે ઉત્તમ ગણ્યાં હતાં. મલ્લરાજ પોતાના બન્ધુમંડળની ઉન્નતિ ઈચ્છતો હતો અને તેમાં રાજ્યનું કલ્યાણ માનતો હતો. પણ આ કૃપાનું પાત્ર થયેલું મંડળ પ્રમત્ત અને ઉન્મત્ત થાય તો અધિકારી મંડળ અસ્ત થાય તે પણ સમજતો હતો. જેમ જુદી વ્‍હેતી ગંગા અને યમુના એક હિમાચલમાં પ્રભવ પામે છે તેમ બન્ધુઓનું તેજ અને અધિકારોઓનો અધિકાર એ ઉભયના જુદા પ્રભવ એક જ રાજ–અંગમાંથી છે, અને યમુનાને ગંગા સમુદ્રમાં પ્હોંચાડે છે તેમ બન્ધુઓના તેજને રાજ્યસિદ્ધિના સમુદ્રમાં લેઈ જનાર પ્રવાહ અધિકાર જ છે માટે અધિકાર-અંગને તેજ-અંગના ઉન્માદથી ન્યૂન થવું ન પડે તેને માટે રાજા રાત્રિદિવસ સજ્જ અને જાગૃત ર્‌હેતો, અને એવો ઉન્માદ દેખતાં તે ઉપર સિંહના પંજા જેવો ભાર મુકતો. આ રાજનીતિને એક પ્રસંગે પ્રતિકૂળ ગણતો સામંત, સાત્વિક વૃત્તિને સમયે અનુકૂળ અને આવશ્યક ગણવા લાગ્યો હતો, અને એ સિંહનો પંજો પોતાના પુત્રને માથે મુકાવવા અને રાજ્યને નિષ્કંટક કરવા એની રાજ્યભક્તિએ એને આગ્રહ ચ્‍હડાવ્યો હતો.

મુળુએ રાજાની ઈચ્છા તૃપ્ત કરી, અને રાજાએ મુળુની ઈચ્છાઓ તૃપ્ત કરવા અનેક યજ્ઞ કર્યા, પણ જ્યાં વૈરાગ્નિ બળ્યાં કરે ત્યાં બીજી ઈચ્છાઓની ગમે તેટલી તૃપ્તિ થાય તે આ અગ્નિથી બળતા ચિત્તને શાંત કરી શકતી નથી. જ્યાં આગળ વૃદ્ધિ સામન્તે ક્ષણિક