પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪

ક્રોધને શાંત કરી અપૂર્વ રાજભક્તિ દર્શાવી અને ઉદાર રાજનીતિમાં પ્રજ્ઞતા ઉત્પન્ન કરી ત્યાં આગળ તેનો યુવાન બાળક બ્રાહ્મણને હાથે પિતાને થયેલા અપમાનની અક્ષમા ડાબી શક્યો નહી. પિતૃભક્તિએ રાજભક્તિના અંકુરને કચરી નાંખ્યો, અને વૈરના ભડકાએ રાજનીતિના વિચારના દીવાઓને અસ્ત કરી નાંખ્યા. ખાચર સાથે સન્ધિ થતાં બ્રાહ્મણોનું બળ પડી ભાંગશે એ ઈચ્છા નિષ્ફળ થતાં બીજી સર્વે ઈચ્છાઓ, અનિચ્છારૂપ થઈ ગઈ અને એક જ ઈચ્છાની તૃપ્તિ પામવામાં નિષ્ફળ થતાં ચિત્તમાં અસહ્ય ક્રોધ ઉત્પન્ન થયો. कामात्संजायते क्रोधः એ વાક્ય સિદ્ધ થયું. બીજા વિકારોનો પ્રવાહ એક દિશામાં જનાર હોય છે; ક્રોધનો ભડકો સર્વે દિશામાં વિવેક વગર ફેલાય છે, પાત્રાપાત્ર જોતો નથી, અને જેને અડકે તેને સળગાવે છે. ચંડિકાને દૈત્યસાથે યુદ્ધક્રોધ થતાં તેણે શિવજીના દેહ ઉપર નૃત્ય કર્યું. ક્રોધનો અગ્નિ સર્વ- સંહારક થાય છે. પ્રધાન ઉપર ઉપજેલા મુળુના ક્રોધની જ્વાળા મલ્લરાજના દેહની આસપાસ ફરી વળવા લાગી. જો મલ્લરાજ પ્રધાનને ક્‌હાડે નહીં તો મલ્લરાજની સત્તાનો નાશ કેમ થવો ન જોઈએ? પણ આ વાત રત્નનગરીમાં અશક્ય હતી, અને રત્નનગરી બ્હાર સરકારના એજંટના હાથમાં મુકાય એવું કાંઈ શસ્ત્ર મુળુને જડ્યું નહીં. પ્રધાનની સત્તાનો નાશ ન બનતાં પ્રધાનનો નાશ કરવાનો માર્ગ મુળુએ શોધ્યો.

કુતરો પૃથ્વી સુંઘતો સુંઘતો ચાલે તેમ મુળુ પ્રધાનનાં છિદ્ર શોધવામાં આયુષ્ય ગાળવા લાગ્યો. છિદ્ર ન જડતાં પ્રધાનની સાથે વૈરભાવે મિત્રતા રચવા લાગ્યો. કાળક્રમે મુળુ વિદ્યાચતુર અને જરાશંકરને ઘેર જતો આવતો થયો. તેના મનના મર્મનો પરીક્ષક અનુભવી વૃદ્ધ જરાશંકર છેતરાયો નહીં. મુળુ ને પ્રધાનની વચ્ચે, બે ગ્રહો એક બીજાને દેખે તેવો, એક બીજાને જોવાના સંબંધ કરતાં વિશેષ, સંબંધ થયો નહીં. બૃહસ્પતિની અવિશ્વાસની નીતિ જાણનાર મામાએ તેના ઉપર રજ વિશ્વાસ કર્યો નહીં ત્યારે અનુભવહીન ભાણેજ છેતરાયો અને વિદ્યાચતુર મુળુને રાજાનો ભત્રીજે ગણી તેની મિત્રતા સ્વીકારવા લાગ્યો. આટલું છિદ્ર મળતાં રજપુતનો બાળક કપટકળામાં યુદ્ધનિપુણતાનો ઉપયોગ કરવા લાગ્યો. જરાશંકરને આ સંબંધનો આભાસ લાગતાં તેણે ભાણેજને ચેતાવ્યો. પણ ઈંગ્રેજી વિદ્યાથી ભોળવાયલો પંડિત માની વિદ્યાચતુર મામા સાથે મનમાં એકમત થયો નહી. છતાં મામાની