પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬


નાક આગળ આંગળી મુકી રોષે ભરાયેલા રાણાએ મલ્લરાજનો હાથ ખેંચી સ્થાન બદલ્યું.

મણિરાજને આ કપટની વધારે શંકા થઈ. માળીની પાસે વાંસી મંગાવી એણે બે પાસથી કાંકળો અને કાંટા ધક્કેલી નાંખ્યા અને કાબુલીઓથી ન જવાય આમ ને ન જવાય આમ એમ ત્રણ પાસ કાંકળો અને કાંટાઓ અને ચોથી પાસ પાણી, તેની વચ્ચે બે જણને કેદ કર્યા, તો પણ કાંઈ હાલ્યું ચાલ્યું નહી ત્યારે વાડો વચ્ચે લાંબી વાંસી ઘોંચી તેમને ધકકા મારવા માંડ્યાં. છેવટે ખાચરે વાંસી ઝાલી રાખી અને કશામાં ભરાઈ રહી હોય એમ પાછી ખસવા ન દીધી. મણિરાજે તે પાછી ખેંચવા માંડી, બેના બળની સરતમાં મણિરાજ ફાવ્યો, ખાચરનાં આંગળાં કાંઈક કાપી લોહીવાળી વાંસી મણિરાજના હાથમાં આવી. લોહી જોઈ એણે માણસ છે એવી ખાતરી કરી, અને પોતાનાં માણસોમાંથી થોડાક સશસ્ત્ર માણસોને તળાવની બાજુથી તરતા તરતા જઈ તેમને પકડી લાવવા આજ્ઞા કરી. પાણીમાં તેમને આવતા જોઈ બે જણાઓએ પાણીમાં ઝંપલાવ્યું, સામેની બાજુના મલ્લરાજના બાગમાં ગયા, વસ્ત્ર પહેરી બેઠા, અને તેમની પાછળ જનારાએ એ બાગમાં જઈ ન્હાસનારાઓને શોધી ક્‌હાડતાં નિષ્ફળ થઈ પાછા આવ્યા.

મણિરાજ પિતાના બાગમાં ગયો. ફરતાં ફરતાં એક ખુણે કાબુલી વસ્ત્ર દીઠાં અને એળખ્યા. પિતા અને શ્વશુર પાસે ગયો. અને રાણાની આંગળીઓની અવસ્થા જોતાં સર્વ ઇતિહાસ કળી ગયો. પાછો ફરી સામંતને સઉ હકીકત કહી તેને તથા કેટલાંક માણસને સાથે લેઈ આવ્યો અને પિતાને ક્‌હેવા લાગ્યો.

“મહારાજ, આજ મ્હારા બાગમાં બે ચોર ભરાયા હતા તેમાંથી એક તો સર્વના ધણી છે પણ બીજા ચોરને પકડવામાં કાંઈ વાંધો નથી, માટે તે ચોરને આપ અમારા હવાલામાં કરો એવી અરજ છે”

“એ ચોરની કોઈ નીશાની છે?” મલ્લરાજે પુછયું.

સામંત બોલ્યો: “અનિરુદ્ધના તો દાદાએ બાણના હાથ કાપ્યા હતા પણ આપણા અનિરુદ્ધે તો જાતે બાણની આંગળીઓ કાપી દીધી છે, બાકી આ બાણને હજાર હાથ તો નથી. શું કરીયે ? મહારાજ ! અનિરુદ્ધના પિતા જ બાણની સાથે ફરે ત્યારે અનિરુદ્ધે જાતે પરાક્રમ કરવું પડે.”