પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૪


બપોરે મધુમક્ષિકા રાણી પાસે આવી શાસ્ત્રની વાતો કરતી અને પુરાણો વાંચતી. સાયંકાળે પુત્રવધૂ પાછાં આવે, પુત્ર ગયા પછી વહુ અને બેચાર દાસીએ સાસુ પાસે બેસે. રત્નનગરીની મયત મહારાણીઓ અને સ્ત્રીરત્નોના ઇતિહાસ પુછે, તેમની મ્હોટાઈ અને તેમના સદ્‌ગુણોનાં વર્ણન સાંભળે, અને મલ્લરાજનાં કીર્તન સાંભળી મનમાં ફુલે અને સાસુનું દુ:ખ દેખી રુવે, અંતે મેનાની આજ્ઞા થતાં કમળા જાય, અને સંતાનનાં સદ્‍ગુણ અને વાત્સલ્ય જોઈ, “આ છાજશે ખરું ?” એ વિચારના બળ તળે ડબાતી રાણીનાં આંસુનો છેડો આવ્યો ન હોય એટલામાં મહારાજ મહારાજનું સ્મરણ આંસુની છાલકો અનાથ વિધવાની આંખોમાં આણે, અને દુઃખ, શોક, અને આંસુ ભરી સુતી રાજવિધવાને પૃથ્વીની પથારી કઠણ છે કે નરમ છે તેનું ભાન આવતું ન હતું, રાત્રિ કેટલી ગઈ તે જણાતું ન હતું, આંખ અને પોપચાં વચ્ચે આંસુનો પડદો ર્‌હેવાથી પોપચાં ઉઘાડાં કે મીચેલાં છે તે સુઝતું ન હતું, અને “મહારાજની મ્હારા ઉપર કેટલી કૃપા હતી?” “મહારાજ ગયા ને હું દુષ્ટ જીવું છું !” “એ મહાયોગીની કૃપાને લાયક હું ન્હોતી” – “એ મહાકૃપાળુની કૃપાના બદલામાં મ્હેં એમના મહાન્ ચિંતાભારમાંથી એમને કદી છોડવ્યા નથી, એમની ચિંતા ઘટાડવાને બદલે મ્હેં જ વધારી હતી.” ઇત્યાદિ વચનો બોલતી બડબડતી જાગરણ કરતી દુ:ખી પતિવ્રતા રાજવિધવાને નિંદ્રા પોતે જ ઉઘાડતી.

વિદ્યાચતુરે ઘણુંક આશ્વાસન આપ્યાં છતાં કુમુદસુંદરીના સમાચારથી દુઃખનો ભાર સ્‌હેવા ગુણસુંદરી અશક્ત નીવડી હતી, મણિરાજ તથા વિદ્યાચતુરે એ દુઃખ હલકું કરવા એને રાજમાતા પાસે મોકલી, दुःखे दुःखाधिकं पश्य એ ન્યાયે દુઃખી રાજવિધવાને જોઈને જ સુજ્ઞ ગુણસુંદરી પોતાનું દુ:ખ ભુલશે એવી સઉને કલ્પના હતી.

ગુણસુંદરી, સુન્દરગૌરી અને કુસુમસુંદરીને લેઈને, મલ્લેશ્વરની વાડીમાં આવી તે પ્રસંગે પ્રાઃતકાળના સાતેક વાગ્યા હશે. એક તુળસીક્યારામાં પાણી સિંચતી સિંચતી મેના, વિચારમાં પડી, ક્યારાને અઠીંગી ઉભી હતી. એના હાથમાંનું પાણીનું વાસણ પડી જઈ ઢોળાતું હતું તેનું એને ભાન ન હતું. તેને શરીરે માત્ર કોરવિનાનું કાળું વસ્ત્ર હતું. તેનું શરીર કૃશ થઈ ગયું હતું. તે તુળસીની એક એકલ ડાળી ક્યારાની એક બાજુપરધી લટકતી હોય અને અંતર્ના શોકકૃમિના કરડવાથી ત્રુટી જવાની તયારીમાં હોય એમ લાગતું હતું. કમળારાણીની કઠણ આજ્ઞા