પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯

ગુણસુંદરી, માંદા માણસના શરીરની દુર્દશા સઉ જુવે તેમ મ્‍હારાં જેવાનાં મનની દુર્દશા પણ સઉ જુવે – તમે તે જોઈ કમળા ! હું વૃદ્ધ તો દુર્દશા પામું પણ તમે જુવાન માણસ પણ પામ્યાં ?”

ગુણસુંદરી - “માતાજી, એ જોવાને જ મને આપના પ્રધાને મોકલી છે.”

મેના -“મ્હેં ! ગુણસુંદરી ! ક્ષત્રિયાણીની દુર્દશા કોઈ જુવે તો એને લાજી મરવાનું થાય.”

ગુણસુંદરી – “માજી ! અમારાં જેવાંની દુર્દશા જરી જરીમાં થાય ને ઘડી ઘડી થાય, તેને આપ જેવાનાં મહાદુ:ખ જોઈ શરમાવાનું થાય અને અમારાં ધુળ જેવાં દુ:ખના અભિમાન છુટી જાય. માતાજી ! કુમુદ નદીમાં તણાયાના સમાચારથી મને શોક થયો અને એના પિતાના વચનથી શોક વળ્યો નહી. ત્યારે તેમણે મને ઠપકો દેઈ કહ્યું કે માતાજીના દુઃખ આગળ ત્‍હારું દુઃખ તો કાંઈ લેખામાં નથી, માટે માતાજીનાં દર્શન અને વચનથી આશ્વાસન લે. તે લેવા મને મોકલી છે.”

કુમુદ તણાયાના સમાચાર જાણતાં મેના ચમકી, દુઃખી થઈ અને અરસપરસ વાતો કરી સઉ વીગત જાણી લીધી. એ વાતો ચાલે છે એટલામાં એક જૈન “આરજા” ( આર્યા ) આવી અને થોડી વારે સામંતની વૃદ્ધ સ્ત્રી આવી. છતાં ચાલતી વાર્તામાં કોઈએ ભંગ પાડ્યો નહીં. તે વાર્તા થઈ ર્‌હેવા આવી એટલે સામંતની સ્ત્રી બોલી: “ગુણસુંદરી, સંસાર જ આવો છે. આપને સુપાત્ર પુત્રીના જવાનું દુ:ખ છે; મ્‍હારા ઘરમાં કુપાત્ર પુત્ર જીવ્યાનું દુઃખ છે.”

આ વાક્યનો અનાદર કરી સર્વેએ પોતાની વાતો ચલાવી. તે વાતોને અંત આવ્યા વગર રહ્યો નહી. અંત આવ્યો એટલે વળી સામંતપત્ની બોલી.

“માતાજી, મ્‍હારું દુ:ખ આપ જાણો છો-”

“પતિ કરતાં પુત્રને વધારે પ્રિય ગણે તે સ્ત્રી પતિવ્રતા નથી અને પતિસુખને તે યોગ્ય નથી. ઠકરાળાં મને તમારી દયા નથી આવતી.” મેના બોલી.

“માતાજી, વૃદ્ધાવસ્થા સુધી ન્‍હાની કન્યાઓ પેઠે શિક્ષા ખમ્યાં કરવી એ દુર્ભાગ્ય મ્‍હારે જ કપાળે છે."

“મૂળ સ્ત્રી અને તે વૃદ્ધ થઈ એટલે જરી શાણપણ રહેલું હોય