પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦

તે પણ જાય. છત્રની છાયામાં ર્‌હો અને પતિદૈવત ઉપર શ્રદ્ધાં રાખી તેવી નિન્દાનો ધ્વનિ ન ક્‌હાડો.”

“માતાજી, હું નિંદા નથી કરતી, પણ ઠાકોરને અંતકાળ આવેલો છે તે કાળે પણ મ્હારું મ્હોં જોતા નથી અને મને દેશવટો આપેલો છે – એ દુ:ખ ખમાતું નથી. પુત્ર નઠારો છે તે જાણું છું, પણ માનું કાળજું એકવાર હાથમાં ન રહ્યું તેની શિક્ષા સ્વામી જતે પણ પ્‍હોંચશે તે કેમ ખમાશે ? મને પુત્રનો કંટાળો આવ્યો છે અને આ ઘડીએ હવે કંઈક ક્ષમા મળશે નહી તો પછી ક્યારે મળવાની હતી ?”

“સ્વામીના અવગુણ બીજાં માણસ પાસે ગાઈ વધારે દૂષિત થાવ છો અને ક્ષમાને અયોગ્ય ઠરો છો !”

“હું તેમનો દોષ નથી ક્‌હાડતી, પણ તેમની ક્ષમા કેમ મેળવવી અને તેમનું મુખ કેમ જોવા પામવું એ વાતમાં આપની શીખામણ માગું છું.” – બોલતી બોલતી સામંતપત્ની રોઈ પડી–“ માતાજી, આપના શીવાય આ ક્ષમા અપાવી શકે એવું કોઈ નથી.” - “માતાજી, વડતળે વટેમાર્ગુને છાયા નહીં મળે ત્યારે બીજે ક્યાં મળશે ? સરોવરની પાળે ઉભેલીને પાણી નહી મળે ત્યારે કોને મળશે ?”

“એ અધિકાર હવે મ્‍હારો નથી. કમળારાણી મ્‍હારું બાળક તેને મ્‍હારો સર્વ અધિકાર સોંપેલો છે - તેને મુકી મ્‍હારી પાસે આ વાત કરવી મિથ્યા છે.”

“બાળકની પાસે ઘરડે મ્‍હોંયે હું શું કહું ?”

“જે બાળકને ઈશ્વર આવો અધિકાર સોંપે છે તેના તેજમાં સર્વ અવસ્થાઓ સમાઈ જાય છે. ઠકરાળાં, તમારી રાણી બાળક છે એ વચનને જે અભિમાન તમારો પાસે બોલાવે છે, તે જ અભિમાનને ધાવી બાળક મૂળરાજ ઉછર્યો અને મ્‍હારા અને તમારા સ્વામીની આશાઓ નષ્ટ કરી ! અને એ જ અભિમાન હજી સુધી તમારી વૃદ્ધ છાતીમાં ઉછળે છે તે જાણી રાજભક્ત સામંતરાજને હું તમારી ભલામણ કેવી રીતે કરું ? આ રાજ્યમાં બીજો સામંતરાજ જન્મ્યો નથી અને હવે જન્મવાનો નથી ! એને મરતાં મરતાં પણ તમારા ભણીનો અસંતોષ છે તે છોડવવો એ તમારું અને મૂળરાજનું કામ. એમાં મેના શું કરશે ને કમળા શું કરશે ?”