પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તે કેમ વાતો ન કરીયે ? ઓછાં જ ભાયડાએ સાથે બોલીયે છીયે જે ?” કુસુમ ગળું મરડી બોલી.

“ત્હારે આરજાબારજા થવું છે ?”

“થઈયે યે ખરાં. પરણેલાં કરતાં એ બધાં સુખી છે.”

“તે પરણે તેને શું દુઃખ છે?”

“પરણે તેને પતિ જડતાં દુઃખ, પતિ જીવતાં દુઃખ, ને પતિ મરતાં દુ:ખ – ને ત્રણે વખત દુઃખ ન હોય તો એક વખત તો હોય હોય ને હોય.”

“હતું હશે ! પરણેલાંનું સ્વપ્નું તો દીઠું નથી ને તેનાં દુઃખની વાત કરવા બેઠી છે આજ કાલની–”

“પરણ્યાં ન હઈયે પણ જાને તો ગયાં હઈયે ? પતિ જડતાં દુ:ખ પડ્યું કુમુદબ્હેનને પતિ જીવતાં દુઃખ પડ્યું કુમુદબહેનને ! એ બેમાં સુખ, તે પરણેલાંને છોકરાંનું દુઃખ થયું જોવું હોય તો- જુવો – કુમુદબ્હેનનું દુઃખ ગુણીયલને !”

ગુણસુંદરી વિચારમાંથી ભડકી, સુંદરે કુસુમના બે ગાલ હાથવતે આમળ્યા ને બોલીઃ “મેર ! મેર ! શરમ વગરની ! માની વાતો જ કરનારી ન જોઈ હોય તો !”

સુંદરનું બોલ્યું ખરું લાગતાં આમળાથી રાતા થયેલા ગાલ ઉપર લજવાયાની બીજી રતાશ ચ્હડી, અને હારી જઈ કુસુમ જરીક નીચું જોઈ રહી. પળવારે પાછું ઉંચું જોઈ બોલવા લાગી.

“વારુ, સામંતની વહુનું દૃષ્ટાંત તો ખરું ? અને જન્મારો સુખ જોઈ સ્વામી જતાં દુઃખ થાય તેનું દૃષ્ટાંત મેનારાણી. શું એમનું દુઃખ ! હું તો એ દુ:ખ જોઈ છક જ થઈ ગઈ! સ્વામી નઠારા હોય તેનું દુઃખ કુમુદબ્હેનનું જેવાનું, ને સ્વામી જેટલા વધારે સારાં એટલું વધારે દુ:ખ સ્વામી ગયા પછી – તે મેનારાણીનું જોવું !”

"તું ભલી આવું આવું સોધ્યાં કરે છે ! ન પરણવાના ચાળા !”

“તે શોધવા કંઈ આઘે જઈયે છીયે ? ઘરમાં ને ઘરમાં જોઈયે તેયે દેખીયે નહીં તે શું આંધળાં છીયે ? - હા - ન પરણવાના ચાળા તો ખરા ! પરણ્યાં એટલે પડ્યાં, તમારે છે કંઈ?” .

“વળી સામા માણસનું દૃષ્ટાંત લીધું ! તે વેળા મ્હારું લીધું ને વળી આ કાકીનું દૃષ્ટાંત લીધું !” ભ્રમર ચ્હડાવી ગુણસુંદરીએ બોલકણીને ધમકાવી.