પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

જોયા હતા તેઓ તો ઘરમાં અને મિત્રમંડળમાં એમ જ ક્‌હેતા કે મણિરાજ જેમ જેમ વયમાં વધે છે તેમ તેમ મલ્લરાજનું અપ્રતિહત ભાન કરાવે છે. સિંહગતિથી પગલાં ભરે, ગંભીર મેઘનાદનું બોલતાં ભાન કરાવે, અને પરિચય પડે તેમ તેમ સ્વભાવવૃક્ષનું ઉગવું થાય, તે સર્વમાં મલ્લરાજની યુવાવસ્થાનું પ્રતિબિમ્બ પડતું સુંદરગિરિનો એક યોગિરાજ મલ્લરાજના મૃત્યુના સમાચાર જાણતો ન હતો તેના દર્શનને વાસ્તે મણિરાજ પ્રથમ ગયા હતા ત્યારે પ્રથમ પ્રસંગે યોગિરાજે તો એને “મલ્લરાજ !” કહીને સ્વાગત આપ્યું હતું.' રાજગુરુ પ્રસન્નનાથ તો પ્રાતઃકાળે શચ્યા ઉપરથી ઉઠતાં નિત્ય મલ્લરાજ ને મણિરાજનાં પવિત્ર નામ સંભારી કાલિદાસનો શ્લોક ભણતા કે

रुपं तदोजस्वि तदेव वीर्यं
तदेव नैसर्गिकमुन्नतत्वम् ।
न कारणात्स्वाद्विभिदे कुमारः
प्रचर्तितो दीप इव प्रदीपात् ॥*[૧]

મણિરાજ તેના પિતા પેઠે સાધારણ ઉંચા પુરુષો કરતાં પણ અર્ધી વ્‍હેંત ઉંચો હતો, અને તેની સાથે શરીર પણ સાધારણ પુષ્ટ હતું એટલે આજના કેટલાક રશિયન લોક આવે છે તેના જેવી ઉંચાઈ પ્હોળાઈ હતી. રામ, કૃષ્ણ, અને પાંડવ, આદિ પ્રાચીન કાળના પુરુષો પણ ઓછામાં ઓછા આટલા ઉંચા હશે એમ વિદ્યાચતુર ક્‌હેતો. સ્વાભાવિક રીતે સ્ત્રી નીચી અને પુરુષો ઉચા હોય ત્યારે કેટલીક મડમોનાં શરીરઆગળ આપણા પુરુષોને લજજાસ્પદ થવું પડે એમ હોય છે, તો સાધારણ રીતે સાહેબ લોકો આપણા કરતાં શરીરે પણ ઉંચા પ્હોળા અને બળવાળા હોય એમાં કાંઈ નવાઈ નથી. પણ મણિરાજનું શરીર તો યુરોપિયનોનું પણ માન મુકાવતું, અને એના બીજા ગુણ તો તેઓ જાણે ત્યારે જાણે પણ પ્રથમ દૃષ્ટિપાતે જ એનું જ્ઞાત્ર શરીર જોઈએ લોક પ્રસન્ન થતા અને એને માન આપવા પ્રેરાતા. वपुर्व्यूढोरस्कं ननु भुवनरक्षाक्षममिदं એ કવિવાક્ય સત્ય પડતું હોય તેમ મણિરાજની વિશાળ છાતી દેખી તેની પ્રજાને પોતાના


  1. *

    "એ રૂપનું એાજ જ ! વીર્ય એ જ !
    “એ જોઈ લ્યો ઉન્નતતા સ્વભાવે !
    "એ બીજ-પિતાર્થી ન ભિન્ન પુત્ર
    “દીવાથી દીવોપ પ્રકટ્યો જ જાણે !”