પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪

નાંખી પોતાનાથી જેમ આગળ વધાયું તેમ વધ્યો. લક્ષ્મીનંદનના દ્રવ્યકૂપને બમ્બા મુકી ખાલી કરવા લાગ્યો અને વિશ્વાસઘાતથી આરંભી ચોરી અને લુટના પ્રપંચ રચી પોતાને ઘેર અને પારકી પ્હેડીઓમાં પોતાને ખાતે અઢળક ધન સંચિત કરી રાખવા માંડ્યું. કેટલાક મિત્રોને પક્ષમાં લેઈ તેમના ભાગમાં વ્યાપાર આરંભ્યો અને તેમને નામે લક્ષ્મીનંદનની પ્હેડીસાથે પોતાની ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપી લઈ વેચવા ખરીદવાનો અને વ્યાજે દ્રવ્યનો ઉપાડ કરવાનો વ્યવહાર રાખ્યો. આવી રીતે એક પાસથી પોતાનું ખાતું જમાવી, લક્ષ્મીનંદનના ગ્રાહકોને પોતાની જાલમાં ખેંચવા લાગ્યો. વળી વિધવાઓ, ધર્મ ખાતાં, અને અનેક જાતનાં અનાથ માણસોની થાપણો ઓળવવાના જ અભિલાષથી તે સંગ્રહવાના માર્ગ પકડ્યા.“ટ્રસ્ટી વસાવે નવી સૃષ્ટિ” એ મંત્રને પકડી અનેક ઠેકાણે લક્ષ્મીનંદનની પ્રતિષ્ઠાનો લાભ લેઈ “ટ્રસ્ટી” થવા પ્રયત્ન આરંભ્યા. ટુંકામાં દ્રવ્ય જડે ત્યાંથી “લેઉ લેઉ” એવો એને હડકવા હાલ્યો. ભરતીની વેળા પુરી થાય તે પ્હેલાં બને એટલો સંગ્રહ કરવાની આ ક્રુર માછીએ છાતી ચલાવી, અને છાછર તેમ ઉંડા પાણીમાં અનેક જાળો તરાવતો તરાવતો જોતા જોતામાં સાગરમાં ઘણે દૂર સુધી ઘણા આશ્રિતોને લઈ તરવા લાગ્યો.

આટલાથી સંતોષ ન પામતાં પોતાની ભણી ઉઘડેલાં લક્ષ્મીનાં દ્વાર વસાય નહીં, અને પોતાને અંકે આવેલી લક્ષ્મી સ્થિરભોગ્યા થઈ ત્યાંની ત્યાં જ બેસી ર્‌હે એવી વાસનાને બળે, સરસ્વતીચંદ્ર જડે નહી અને લક્ષ્મીનંદનની શક્તિ સદાકાળનો પક્ષાઘાત પામે એવી યોજનાઓ આ કૃતઘ્ન રાક્ષસના અંત:કરણમાં ઉભરાઈ, સરસ્વતીચંદ્રની શોધમાં લક્ષ્મીનંદનને દેખીતી રીતે અનુકૂળ બની જઈ એ શોધમાં પડનાર માણસોને દ્રવ્ય આપી, આશા આપી આ શોધ કદી સફળ થાય નહીં એવી ગુપ્ત આજ્ઞાઓ આપતો અને પળાવતો. એટલું જ નહી, પણ એ પુરુષની ભોગજોગે ભાળ લાગે તો એનું ગમે તેમ કરી યમદેવને બલિદાન કરવું એવી સૂચના પણ બની ત્યાં આપવાને ધૂર્તલાલ ચુક્યો નહી. લક્ષ્મીનંદનને આ નિષ્ફળ શોધના વમળમાં નાંખી તેમાં તેને આગળ આગળ ધપાવતો હતો અને એ વમળને બળે એને ચિત્તભ્રમ થાય એવું અંતમાં ઈચ્છતો હતો. શેઠને આખો દિવસ ગયેલો પુત્ર સાંભરે એવું કરે અને એના ઉઘેલા મર્મ જાગે એવું બોલે. એમ કરતાં કરતાં આખરે બોલવાનું મુકી કાંઈ નિશ્ચિત કામ કરવાનું ધાર્યું.

એક દિવસ પુત્રને સંભારતા સંભારતા લક્ષ્મીનંદનશેઠ સરસ્વતીચંદ્રના વાલકેશ્વરવાળા બંગલામાં ગયા. બંગલો ઉઘડાવી અંદર જઈ