પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬


“પુરાવો ને બુરાવો" – જોઈ લેજો ને કે બધુંયે નીકળશે ! રાંડ ત્‍હારી મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે?”

કુમુદસુંદરીએ કુટતી સ્ત્રીયો વચ્ચે કૃષ્ણકલિકાપર ફેંકેલાં કેવડો અને સાંકળી[૧] સાંભર્યાં અને તે સાંભરતાં પ્રમાદધન નરમ થઈ ગયો. એની બુદ્ધિ ગુમ થઈ ગઈ ને બાજી હાથમાંથી ગઈ સમજી નીચું જોઈ ચાલતો થયો.

આ સર્વ હકીકત બુદ્ધિધનને પ્‍હોચી. તેણે શાંતિ રાખી સર્વ વાત સાંભળી નરભેરામદ્વારા પુત્રની પાસે ઉત્તર લીધો. સર્વ હકીકત ઉપરાંત એણે કૃષ્ણકલિકાનો સુઝાડેલો વધારે ઉત્તર એ આપ્યો કે નવીનચંદ્ર અને કુમુદ સંપ કરી પોતાની વાત ઉઘાડી પડતાં ભદ્રેશ્વર ગયાં છે એ મ્હારો વધારે પુરાવો. પોતે જે રાત્રે લીલાપુર સાહેબને મળવા ગયો હતો તે રાત્રે પોતાની મેડીમાં કુમુદ એકલી હતી અને જોડની મેડીમાં નવીનચંદ્ર એકલો હતો ને બે જણ ભણેલાં એટલે આ સર્વ યોગ અનુકૂળ થઈ ગયો એવું પણ ક્‌હાવ્યું.

શાંત વિચાર કરતાં પુત્રની કરેલી વાત પણ પિતાને છેક અસંભવિત ન લાગી. બધાંને એકઠાં કર્યા શીવાય ખુલાસો શી રીતનો થાય અને એકઠાં કરવાનો પ્રસંગ આવે તો કુટુંબની પ્રતિષ્ઠા જાય એ વિચારમાં આખો દિવસ ક્‌હાડી નાંખ્યો. છેક સાયંકાળે સુરસિંહને પકડી પોતાનાં માણસો આવ્યાં અને રાત્રિના નવ વાગતાં કુમુદસુંદરીવાળો રથ ઠાલો લઈ ગાડીવાન પાછો આવ્યો તેણે કુમુદસુંદરી નદીમાં તણાઈ ગયાના અને શોધ કરતાં પણ ન જડ્યાના સમાચાર કહ્યાથી કુટુંબમાં અત્યંત શોક વ્યાપી ગયો. કુમુદસુંદરી ઉપર મૂળથી હતી તે દયા અને પ્રીતિ દશગણાં થયાં, અને તેની સાથે કૃષ્ણકલિકા અને પ્રમાદધન ઉપર સર્વ કુટુંબનો ક્રોધ સોગણો વધ્યો.

રાત્રિયે બુદ્ધિધને નરભેરામને બોલાવી તેનો અભિપ્રાય માગ્યો.

નરભેરામે ઉત્તર આપ્યો:“બુદ્ધિધનભાઈ મને પુછો તો થયું તે ન થયું થનાર નથી. આ વાત ચોળીને ચીકણું કરવાથી ગઈ કાલ મળેલો કારભાર આવતી કાલ જવા બેસશે, અપકીર્તિ થશે,પોતાનાં છિદ્ર ઉઘાડવા જેવી મૂર્ખતા બીજી નથી તે મૂર્ખતા તમે કરશો, પ્રમાદધનભાઈનાથી તમારી પાસે


  1. ૧. ભાગ ૧. પ્રકરણ ૧૭ જુવો.