પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦

આવી અને બ્રહ્મ પણ આવ્યું; અને બાકીનાં પારકાં તે માયા, તેનો ત્યાગ કરવો. બસ !”

બુદ્ધિધનનું હસવું રહ્યું નહીં. નરભેરામને ધક્કો મારી તકીયે પાડ્યો: “હવે કાંઈ બાકી છે ?”

“હા, હવે શાસ્ત્રનું વચન સાંભળો.–

सुहृदामुपकारणात् द्विपतामप्यपकारकारणात् ।
नृपसंश्रय इप्यते बुधैर्जठरं को न विभर्ति केवलम् ॥* [૧]

“આ લ્યો શાસ્ત્ર, વિદ્યાચતુરભાઈને ઉત્તર મ્‍હારીપાસે લખાવજો તે ફાંકડો ઉત્તર લખી આપીશ. અને હું કહું છું તે કરજો. લ્યો જાઉ છું.”

નરભેરામ પાઘડી માથે મુકી ગયો, નીચે સ્ત્રીમંડળનાં મન વાળવા ગયો, બુદ્ધિધન એની પુઠ ભણી દૃષ્ટિ કરી રહ્યો. “આ પણ શી મૂર્તિ છે ? કીયા બ્રહ્માએ મ્‍હારો ને એનો જોગ ઘડ્યો હશે ? એ ક્‌હે છે તે પણ છેક ક્‌હાડી નાંખવા જેવું નથી. બુદ્ધિમાને જડમાંથી પણ ઉપદેશ લેવાનો છે તો નરભેરામનું કહ્યું કેમ ન સાંભળવું જોઈએ? એ પણ અનુભવી છે.”

આ વિચાર કરે છે એટલામાં અલકકિશોરી આવી અને તેની પાછળ સોડીયામાં સંતાતી સંતાતી વનલીલા આવી. અલકકિશોરી કોપેલી વાઘેરના જેવી દેખાતી હતી. એની આંખોમાં કોપ માતો ન હતો, ઓઠ ફડફડતા હતા, અને હાથ ઉછાળા મારવા તત્પર થઈ રહ્યા હતા. પિતાની પાસે ઉભી રહી ત્યાં એનો અહંકાર ઉછાળા મારી છાતીમાંથી નીકળવાનું કરતો હોય તેમ છાતી ક્‌હાડી પિતાની સામી આવી ઉભી રહી અને ક્રોધમાં ને ક્રોધમાં વીજળી અચીંતી ભડાકો કરે તેમ ગાજી.

“પિતાજી હવે તો હદ વળી ગઈ.”

“કેમ, બ્હેન, શું કાંઈ નવું થયું છે?” શાંત સ્વરે બુદ્ધિધન બોલ્યો.

“ આ જુવો, ભાભીના સમાચારથી દેવી તો શીંગડું વળી સુતી


  1. *“ડાહ્યા માણસો રાજાઓનો આશ્રય ઈચ્છે છે તે મિત્રો ઉપર ઉપકારકરવા અને શત્રુઓ સામે અપકાર કરવા, બાકી પોતાનું એકલું જઠર ભરવાનું જ કામ તે તો કેાણ નથી કરતું ?”